અમેરિકાના સિનિયર સરહદ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે અમેરિકા-મેક્સિકો સરહદ પર ઝડપાતા ગેરકાયદે માઇગ્રન્ટ્સની સંખ્યાં ઘટાડો થયો છે. તેમણે સાથે જ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમ સંકેત આપે છે કે બાઇડેન વહીવટી તંત્રની નવી આકરી નીતિ ગેરકાયદે ઇમિગ્રેશનનો પ્રવાહ અવરોધી રહી છે.
અધિકારીએ જણાવ્યુ હતું કે યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા ગેરકાયદે સરહદ ઓળંગી રહેલા 3,100 લોકોની ધરપકડ કરાઈ હતી અને તેમાં હવે 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
અધિકારીએ કહ્યું હતું કે હજું આ ટ્રેન્ડ નિર્ણાયક છે કે કેમ તેમ કહેવું વહેલું ગણાશે. પરંતુ મારું માનવું છે કે આ થોડી સંભવિત પ્રારંભિક સફળતાનો સંકેત છે.
નવેમ્બરમા યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી પહેલા ઇમિગ્રેશન દેશમાં એક મોટો મુદ્દો બની ગયો છે. બાઇડેન બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા છે અને તેમનો મુકાબલો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને રીપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામે છે. ટ્રમ્પ ઇમિગ્રેશન મુદ્દે એકદમ આકરું વલણ ધરાવે છે.
બાઇડેને બુધવારે નવી નીતિ અમલી બનાવી હતી, તે મુજબ અમેરિકા-મેક્સિકો સરહદથી અમેરિકામાં આશ્રય લેવાના ઈરાદે ગેરકાયદે પ્રવેશ કરનારા માઇગ્રન્ટ્સ પ્રતિબંધિત છે. જો કે, આશ્રય સામેનો આ પ્રતિબંધ કોઇ વાલી વિનાના સગીરો, તેવા લોકો જેના ઉપર ગંભીર મેડિકલ અથવા સુરક્ષા જોખમ ના હોય અને માનવીય હેરફેરના પીડિત હોય તેવા લોકોને લાગુ નથી પડતો.
