અમેરિકામાં કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી છે. ગરમીના કારણે તે અંદાજે 12 હજાર એકરથી વધુ વિસ્તારમાં ફેલાઇ ગઇ છે. સ્થાનિક લોકો આને એપલ ફાયર કહે છે. શુક્રવારે નાની જ્વાળાઓના રૂપમાં આગની શરૂઆત ચેરી ખીણથી થઇ હતી. તે લોસ એન્જેલ્સથી અંદાજે 100 કિ.મી. દૂર સ્થિત છે. રિવરસાઇડ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે તે લોસ એન્જેલ્સ સુધી પહોંચવાની ભીતિ વ્યક્ત કરી છે. આ દરમિયાન 2,586 ઘરમાં રહેતા 8 હજાર લોકોને સલામત સ્થળોએ પહોંચાડાયા છે. જુલાઇમાં આગના 5 હજારથી વધુ બનાવ: કેલિફોર્નિયાના વન વિભાગના જણાવ્યાનુસાર જુલાઇ મહિનામાં આગના 5,292 બનાવ બન્યા, જેમાં અંદાજે 78 હજાર એકર જંગલ સળગી ચૂક્યું છે. ફાયરકર્મી દિવસ-રાત આગ બુઝાવવા કાર્યરત છે. અંદાજે 1,700 ફાયરકર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાયા છે.