બહુચર્ચિત ફિલ્મ ‘પઠાણ’ને એક નવી સિદ્ધિ મળી છે. શાહરૂખ ખાન અભિનિત આ ફિલ્મ અંતે રિલીઝના 27મા દિવસે વિશ્વવ્યાપી રૂ. 1000 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. આ સાથે ‘પઠાણ’ એવી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે જેણે તેની રિલીઝના પ્રથમ તબક્કામાં 1000 કરોડનો આંકડો વટાવ્યો છે.
જોકે, આમિરખાન અભિનિત ‘દંગલ’ હજુ પણ 2023 કરોડના બિઝનેસ સાથે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે. ‘દંગલ’ પ્રથમવાર 23 ડિસેમ્બર 2016ના રોજ રિલીઝ થઈ હતી. જ્યારે 5 મે 2017ના રોજ ચીનમાં ફરીથી રિલીઝ થઇ હતી. ત્યાં ‘દંગલ’ના વર્લ્ડવાઈડ કલેક્શને એવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો કે જેને ‘બાહુબલી 2’ અને ‘KGF 2’ જેવી ફિલ્મો પણ તોડી શકી નથી.
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’એ રીલીઝના 27મા દિવસે હિન્દી વર્ઝનથી દેશમાં 1.25 કરોડ નેટ કલેક્શન કર્યું, જ્યારે તેણે વિશ્વભરમાં રૂ. 4 કરોડની કમાણી કરી હતી. આ સાથે દેશમાં કુલ 516.92 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેમાંથી હિન્દી વર્ઝનમાંથી 493.55 કરોડ રૂપિયા એકત્રિત થયા છે, જ્યારે 27 દિવસમાં તમિલ, તેલુગુ વર્ઝનમાંથી 23.37 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ દિવસોમાં 623 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશમાંથી 377 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
તેનું કારણ એ છે કે તે મૂળ એક હિન્દી ફિલ્મ છે, જેને તમિલ-તેલુગુમાં રિલીઝ થતા વધુ ફાયદો નથી મળ્યો. આ સાથે તે વિદેશમાં અન્ય કોઈ સ્થાનિક ભાષામાં રિલીઝ થઇ નથી.આટલું જ નહીં જે રીતે ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારની માગ અને થીયેટરોમાં તોડફોડ થઇ હતી, ‘પઠાણ’ની કમાણીની ઝડપથી બધા ચૂપ થઇ ગયા છે.