તહેવારોની મોસમ શરૂ થઈ છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ઝપેટમાં આવ્યું છે. રવિવારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. રાજસ્થાનના સિકરમાં તાપમાન ગગડીને 0.5 ડિગ્રી સુધી થયું હતું. દિલ્હી અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયો હતો. તેનાથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઓછામાં ઓછા થોડા દિવસો સુધી કડકડતી ઠંડીમાં કોઇ રાહત મળવાની શક્યતા નથી.
હવામાન વિભાગે ઉત્તર રાજસ્થાનમાં આગામી થોડા દિવસો સુધી તથા પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં સોમવાર સુધી કાતિલ ઠંડીની વોર્નિંગ જારી કરી છે. IMDએ જણાવ્યા અનુસાર દિલ્હીવાસીઓએ 25 ડિસેમ્બરે કડકડતી ઠંડીનો સામનો કર્યો છે અને 26 ડિસેમ્બરે તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનો પારો ગગડીને 5.3 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જે મોસમની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું,
રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો. સિકરમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તેનાથી તે શનિવારની રાત્રે સૌથી ઠંડો પ્રદેશ બન્યો હતો. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણમાં શનિવાર રાત્રે તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. શ્રીનગર, પહેલગામ અને કુપવાડા પ્રદેશોમાં સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી.
પહલગામના દક્ષિણી રિસોર્ટમાં તાપમાન વધુ ઘટીને માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે અત્યાર સુધીની સિઝનની સૌથી ઠંડી રાત હતી. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે ધુમ્મસ સહિતના પ્રતિકૂળ હવામાનને કારણે આશરે 350 ટ્રેનો સંપૂર્ણપણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી હતી.