અમેરિકાની બે બેન્કના પતન અને ક્રેડિટ સ્વીસમાં કટોકટીને પગલે ફાઇનાન્શિયલ માર્કેટમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ હોવા છતાં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ ગુરુવારે વ્યાજદરમાં 0.50 ટકાનો ધરખમ વધારો ઝીક્યો હતો. યુરોપના 20 દેશોની આ સેન્ટ્રલ બેન્કે ડિપોઝિટ રેટ વધારીને 3 ટકા કર્યા છે, જે 2008 પછીના સૌથી ઊંચા છે. ગયા વર્ષના જુલાઈ પહેલા યુરોપમાં વ્યાજદર નેગેટિવ હતા.
યુરોપમાં 8.5 ટકા જેટલા ઊંચા ફુગાવાને અંકુશમાં માટે ઇસીબી આક્રમક વલણ અપનાવીને રેટમાં વધારો કરી રહી છે. ઇસીબીમાં ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો થશે કે નહીં તેનો કોઇ સંકેત આપ્યો નથી. જોકે જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારાથી નાણાકીય સ્થિરતા સામે કોઇ જોખમ ઊભું થશે નહીં. યુરોપ ઝોનની બેન્કો પ્રતિકાર ક્ષમતા ધરાવે છે અને વ્યાજદરમાં વધારાથી બેન્કોના માર્જિનમાં વધારો થશે.
ECB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મોંઘવારી લાંબા સમય સુધી ખૂબ ઊંચી રહેવાનો અંદાજ છે. તેથી, ગવર્નિંગ કાઉન્સિલે આજે ત્રણ ચાવીરૂપ ECB વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.” આ નવા વ્યાજવધારા સાથે બેંકના મુખ્ય દરને 3% થયા છે. ગયા વર્ષે જુલાઈ પહેલા યુરોપમાં વ્યાજદર નેગેટિવ હતા. સેન્ટ્રલ બેન્કે ગુરુવારે ફુગાવાના અંદાજમાં સુધારો કર્યો હતો. આ અંદાજ મુજબ ચાલુ વર્ષે યુરોપમાં ફુગાવો 5.3 ટકા, 2024માં 2.9 ટકા રહેવાનો અંદાજ છે.