(Photo by DOMINIQUE FAGET/AFP via Getty Images)

ભારતના 127 વર્ષ જૂના ગોદરેજ ગ્રૂપના સ્થાપક પરિવારમાં ભાગલા પાડવા અંગે એક કરાર થયો છે. સંપત્તિ વિભાજનના કરાર મુજબ આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ મળશે. આ કંપનીની પાંચ પાંચ લિસ્ટેડ પેટાકંપનીઓ છે. પિતરાઈ ભાઈ બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયસ અને તેની સહયોગી કંપનીઓ તેમજ મુંબઈમાં પ્રાઇમ પ્રોપર્ટી સહિત લેન્ડ બેંક મળશે.

ગ્રુપે જારી કરેલા નિવેદન મુજબ ગ્રૂપનું બે સ્થાપક પરિવારની બે શાખા વચ્ચે વિભાજન થયું છે,  જેમાં એક તરફ આદિ ગોદરેજ (82) અને તેમના ભાઈ નાદિર (73) છે, જ્યારે બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજ (75) અને સ્મિતા ગોદરેજ ક્રિષ્ના (74) છે.

ગોદરેજ પરિવારમાં ઘણા સમયથી વિભાજનની પ્રક્રિયા ચાલતી હતી અને હવે આ સત્તાવાર કરાર થયા છે. ભારતમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. જ્યારે તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓના હક મળશે.

ગોદરેજ પરિવારે જણાવ્યું હતું કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. વિભાજન હોવા છતાં, બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ એક વિશાળ જૂથ છે જેની લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સિસ સામેલ છે. તેના અધ્યક્ષ તરીકે નાદિર ગોદરેજ હશે અને તેનું નિયંત્રણ આદિ ગોદરેજ, નાદિર ગોદરેજ અને પરિવાર દ્વારા કરવામાં આવશે. આદિના 42 વર્ષીય પુત્ર પીરોજશા ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હશે. ત્યાર બાદ ઓગસ્ટ 2026માં તેઓ નાદિરનું સ્થાન લેશે.

LEAVE A REPLY