ભારતની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાતના રમખાણો સંબંધિત આક્ષેપો પરની ડોક્યુમેન્ટરીના મુદ્દે ભારતમાં બીબીસી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી શુક્રવારે ફગાવી દીધી હતી.
હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની ભારતમાં કાર્યરત બ્રિટનના રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર પર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવીને સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે “કોઈ ડોક્યુમેન્ટરી દેશને કેવી રીતે અસર કરી શકે છે,” આ અરજી સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે. આવી દલીલ કેવી રીતે કરી શકાય. તમે અમારી પાસે સંપૂર્ણ સેન્સરશિપની માગણી કરી રહ્યા છે.
અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પિંકી આનંદે દલીલ કરી હતી કે બીબીસી ઈરાદાપૂર્વક ભારતની છબી ખરાબ કરી રહી છે. અરજીમાં ડોક્યુમેન્ટ્રી પાછળના “ષડયંત્ર”ની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસની પણ માગણી કરાઈ હતી.
બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(બીબીસી)એ 2002ના રમખાણોમાં મોદીની ભૂમિકા અંગે એક ડૉક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી. અરજીમાં બીબીસી પર તેનો એજન્ડા ચલાવવાનો આરોપ પણ મૂકાયો હતો અને દાવો કરાયો હતો કે બીબીસી ભારતમાં વ્યાપ્ત શાંતિ અને રાષ્ટ્રીય અખંડતાને અવરોધે છે.