Indore accident death toll rises to 35
(ANI Photo)

મધ્યમપ્રદેશના ઇન્દોરમાં રામનવમીના દિવસની થયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક વધી શુક્રવારે 35 થયો હતો અને એક લાપતા વ્યક્તિને શોધવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

દેશભરમાં ગુરુવારે રામનવમીની ભવ્ય શોભાયાત્રા અને વિશેષ પૂજાઓ સાથે ઉજવણી કરાઈ હતી, પરંતુ મધ્યપ્રદેશમાં 35 શ્રદ્ધાળુઓના દુઃખદ મોત તથા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં હિંસા અને આગચંપીની ઘટનાને કારણે ઉત્સાહમાં ભંગ પડ્યો હતો. દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પોલીસના આદેશનો અનાદર કરીને શોભાયાત્રા કાઢી હતી. જોકે દેશના બાકીના વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભ અવસર પર શુભેચ્છા પાઠવી હતી.

ઇન્દોરના પટેલનગરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં હવન દરમિયાન એક વાવની છત ધરાશાયી થતાં 35 લોકોના મોત થયા હતા. રામનવમીને પગલે વાવની છત પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને તેથી તે ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાંક લોકો વાવમાં પડી ગયા હતા, તેમાંથી 19 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે. આ દુર્ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, આ ઘટના હવન દરમિયાન બની હતી. વાવની છત પર 25થી વધુ લોકો બેઠા હતા.

આ દુર્ઘટનાને પગલે મોટાપાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સ્થાનિક અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી હતી. તેમણે મૃતકોના પરિજનોને રૂ.5 લાખ અને ઘાયલોને રૂ.50,000નું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

શિવરાજ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “દુઃખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ. ઇજાગ્રસ્તોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર તબીબી ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ઇન્દોરની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. સીએમ શિવરાજ ચૌહાણજી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યને ઝડપી ગતિએ આગળ વધારી રહી છે. તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે મારી પ્રાર્થના.

LEAVE A REPLY