અમેરિકામાં તાજેતરમાં રેસિઝમ વિરુદ્ધ થયેલા વ્યાપક દેખાવો પછી મિનીઆપોલિસ સિટી કાઉન્સિલે જણાવ્યું છે કે, શહેરના હાલનો પોલીસ વિભાગ વિખેરી નખાશે, તેની નવેસરથી રચના કરાશે. આ અંગે સિટી કાઉન્સિલર્સે રવિવારે જણાવ્યું હતું કે, મિનીઆપોલીસમાં પોલીસ વિભાગનું વિસર્જન કરી ફરીથી તેની રચના કરાશે. કાઉન્સિલનાં પ્રેસિડેન્ટ લિસા બેન્ડરે જણાવ્યું હતું કે, અમે આપણા સમુદાયની સુરક્ષા માટે નવી નીતિ બનાવીશું અને તેથી મિનીઆપોલીસના પોલીસ વિભાગનું વિસર્જન કરવા કટિબદ્ધ છીએ.
ગત મહિને મિનીઆપોલીસ શહેરમાં અમેરિકન આફ્રિકન જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ અટકાયત દરમિયાન મૃત્યુ થતાં દેશભરમાં હિંસક દેખાવો થયા હતા. હવે આ દેખાવોની મોટી અસર થઇ છે અને અમેરિકન પોલીસ વ્યવસ્થામાં રેસિઝમ વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલ મેમ્બર એલેન્ડ્રા કાનોએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, બહુમતથી આ નિર્ણય લેવાયો છે. તેમાં એ બાબતે સહમતી સધાઇ છે કે, હાલના પોલીસ ડીપાર્ટમેન્ટમાં સુધારાને અવકાશ નથી અને આપણે વર્તમાન પોલીસ વ્યવસ્થાનો અંત લાવી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, 25 મે ના રોજ મિનીઆપોલીસ દ્વારા ધરપકડ થયા પછી અટકાયત દરમિયાન એક પોલીસ અધિકારીએ ફ્લોઇડના ગળા પર ઘૂટણ રાખીને લાંબો સમય દબાવી રાખવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વિડીયો પણ જાહેર થયો હતો. ઓટોપ્સી રીપોર્ટમાં તેની હત્યા થઇ હોવાનું જાહેર થતાં તે અધિકારી પર હત્યાનો આરોપ મુકાયો હતો.
બેન્ડરે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વ્યવસ્થા માટે જે ભંડોળ આપવામાં આવે છે તેનો ઉપયોગ સમુદાય આધારિત વ્યૂહરચના માટે કરવામાં આવે તેવો પ્રયાસ કરીશું. ફ્લોઇડના વિવાદસ્પદ મૃત્યુ પછી અમેરિકામાં વ્યાપક દેખાવો થયા હતા, ઘણી જગ્યાએ દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આ ઉપરાંત લૂંટફાટ, આગ અને રમખાણો થયા હતા.