ભારતનું ચૂંટણી પંચ શનિવાર, 16 માર્ચે લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીઓ અને કેટલાં રાજ્યોની વિધાનસભાઓના ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરવા માટે આવતીકાલે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, એમ ચૂંટણીપંચે શુક્રવારે જણાવ્યું હતું.
વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થાય છે અને તે પહેલાં નવા ગૃહની રચના કરવાની રહેશે. ચૂંટણીની જાહેરાત પછી દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવશે.અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં એપ્રિલ/મેમાં મતદાન થવાની ધારણા છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં ચૂંટણી નિર્ધારિત છે.
અગાઉ ભારતીય ચૂંટણી પંચમાં ખાલી પડેલી બે જગ્યાઓ માટે અમલદાર સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ગુરુવારે પસંદગી કરવામાં આવી હતી. સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર 1988-બેચના નિવૃત્ત IAS અધિકારીઓ છે. નવા ચૂંટણી કમિશનરોની નિયુક્તિ સાથે હવે ટૂંકસમયમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીની બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ બંને ચૂંટણી કમિશનોની પસંદગી કરી હતી. અધીર રંજન ચૌધરીએ આ નામો સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સમિતિેએ બહુમતીથી નિર્ણય કર્યો હતો.
અગાઉ ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલે અચાનક રાજીનામું આપ્યું હતું અને અનુપ ચંદ્ર પાંડે નિવૃત્તિ થયા હતા તેથી આ જગ્યાએ ખાલી પડી હતી. સુપ્રીમ કોર્ટે પણ ગુરુવારે 2023ના કાયદા હેઠળ બે ચૂંટણી કમિશનરો – જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની નિમણૂક પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.