કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિન સમારંભમાં હાજર રહ્યાં ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. ખડગેએ દિલ્હીમાં કોંગ્રેસના હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પીએમના 90 મિનિટના લાંબા ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે કે એવી છાપ ઉભી કરવામાં આવી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જ વિકાસના કામો થયા છે.
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બનીશ તેવા વડાપ્રધાન મોદીના નિવેદનની ટીકા કરતાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે PM મોદી આવતા વર્ષે ફરી એકવાર રાષ્ટ્રધ્વજ તો ફરકાવશે, પરંતુ તેઓ તે રાષ્ટ્રધ્વજ પોતાના ઘરે જ ફરકાવશે. બધા વ્યક્તિ વારંવાર કહે છે અમે જીતીશું, પરંતુ તમને જીતવા કે હરાવવા એ લોકોના હાથમાં છે, મતદારોના હાથમાં છે. 2023માં કહેવું છે કે ‘2024માં હું ધ્વજ લહેરાવીશ આ કહેવું અહંકાર છે. જો તે સ્વતંત્રતા દિવસ પર પણ વિપક્ષ પર ટિપ્પણી કરતા રહે છે, તો તે દેશનું નિર્માણ કેવી રીતે કરશે?”
કોંગ્રેસના સાંસદ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે “2024ની ચૂંટણીમાં દેશની જનતા નક્કી કરશે કે કોણ પછી સરકાર બનાવશે અને કોણ નહીં. આરજેડી વડા લાલુ યાદવે આ જણાવ્યું હતું કે PM મોદી આવતા વર્ષે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે નહીં કારણ કે 2024માં અમે સત્તા પર આવીશું.