વિશ્વભરના ટેકનોલોજી સ્ટાર્ટ-અપને ધિરાણ આપવા માટે જાણીતી સિલિકોન વેલી બેંક (SVB)ના પતનથી ભારતના સ્ટાર્ટ-અપ ક્ષેત્ર માટે પણ જોખમ ઊભું થયું છે. આ કેલિફોર્નિયા સ્થિતિ આ બેન્ક સાથે બેન્કિંગ વ્યવહાર કરતાં કેટલાંક અર્લી અને મિડ-સ્ટેજ સ્ટાર્ટ-અપ માટે કર્મચારીઓના વેતન જેવા દૈનિક ખર્ચ માટે રોકડની તંગી ઊભી થઈ છે.
ભારતમાં રેઝરપે, મીશો અને ઝેપ્ટો જેવી મોટી YC-સમર્થિત કંપનીઓ છે, પરંતુ SVB સાથે તેમને કોઇ લેવાદેવા નથી. જોકે આ બેન્કના પતનથી અર્લી-સ્ટેજ અને મિડ-સ્ટેજ સ્ટાર્ટ-અપને અસર દેખાઈ રહી છે.
આ ગતિવિધિથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે ખાસ કરીને સિલિકોન વેલી સ્થિત પ્રખ્યાત એક્સિલરેટર વાય કોમ્બીનેટર (વાયસી) દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ્સ માટે વધુ મુશ્કેલી ઊભી થઈ છે. આવા ઓછામાં ઓછા 40 YC-સમર્થિત ભારતીય સ્ટાર્ટઅપ્સ SVBમાં 250,000 થી 1 મિલિયન ડોલરની થાપણો ધરાવે છે. આમાંથી 20 વધુ સ્ટાર્ટ-અપ આ બેન્કમાં 10 લાખ ડોલરથી વધુનું ભંડોળ ધરાવે છે.
સિલિકોન વેલી બેંકના પતનથી સૌથી પ્રથમ ભારતીય મૂળના સોફ્ટવેર સ્ટાર્ટઅપ્સને અસર થઈ હોવાનું માનવામાં આવે છે, પરંતુ હવે વાયસી સમર્થિત ન્યુ એજ સ્ટાર્ટ-અપ પણ ચિંતિત બન્યાં છે. આવા સ્ટાર્ટ-અપ્સે સિલિકોન વેલી સ્થિત એક્સિલરેટર પાસેથી ભંડોળ મેળવવા માટે અમેરિકામાં કંપની ઊભી કરી છે અને વાયસી સ્ટાર્ટ-અપ તેમની બેન્કિંગ જરૂરિયાત અને ભંડોળ માટે એસવીબી સાથે વ્યવહારો કરે છે.
SVB પતન શું અસર થશે તે અંગેની સંખ્યાબંધ ટ્વીટમાં YCના પ્રેસિડન્ટ ગેરી ટેને જણાવ્યું હતું કે SVBનું પતન એ સ્ટાર્ટઅપ્સ માટે “લુપ્તતા સ્તરની ઘટના” છે કારણ કે પગાર કરવામાં અવરોધ ઊભા થતાં કર્મચારીઓ સામૂહિક રજાઓ પર જશે. એસવીબી પર આધારિત વાયસી સમર્થિત 30 ટકા કંપનીઓ આગામી 30 દિવસમાં પગાર કરી શકશે નહીં.