એક અભૂતપૂર્વ છબરડામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વિધાનસભાના બજેટ સત્રમાં જૂનું બજેટ વાંચવાનું ચાલુ કરી દીધું હતું. મુખ્યપ્રધાન પાસે નાણા મંત્રાલયનો પણ હવાલો છે અને તેઓ શનિવારે બજેટ રજૂ કરવાના હતા. આવી ભૂલને કારણે વિધાનસભામાં હોબાળો મચી ગયો હતો. ગેહલોતે માફી માગીને તેને માનવીય ભૂલ ગણાવી હતી.
ગેહલોતે છ મિનિટ સુધી જૂના બજેટનું ભાષણ આપ્યું હતું અને કોઇને ખબર પડી ન હતી. જોકે એક પ્રધાને આ અંગે તેમનું ધ્યાન દોર્યું ત્યારે તેમને ખબર પડી હતી. ગેહલોતે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યનું બજેટ લીક થયું નથી. વિપક્ષ ભાજપ બિનજરૂરી નાટક કરે છે અને મુદ્દાને ચગાવે છે. આ ગફલતને કારણે બજેટ લીક થયું હોવાનો આક્ષેપ કરીને ભાજપે હોબાળો મચાવતા બે વખત ગૃહ મોકૂફ રહ્યું હતું. ભાજપે બજેટને નવી તારીખ સુધી મોકૂફ રાખવાની માગણી કરી હતી. જોગાનુજોગ ગેહલોતે રાજ્યના લોકો બજેટને લાઇવ જોઇ શકે તે માટે પૂરતી વ્યવસ્થા પણ કરી હતી, કારણ કે આ તેમનું છેલ્લું બજેટ હતું.