બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહનો બુધવારે સવારે મહારાષ્ટ્રના રાયગઢના તેમના સ્ટુ઼ડિયોમાંથી મળી આવ્યો હતો. પોલીસને આશંકા છે કે નીતિન દેસાઇએ આર્થિક તંગીને કારણે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ સિનેમા જગતમાં શોક વ્યાપી ગયો હતો. તેમની ઉંમર 58 વર્ષ હતી.
નીતિન દેસાઈ કર્જતમાં પોતાના એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. હાલ તેમના મોતની વધુ જાણકારી સામે આવી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલાની તપાસમાં ચાલુ કરી હતી.
નીતિન દેસાઈ વર્ષ 1989થી આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. નીતિન દેસાઈએ ઘણી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિન દેસાઈએ લગાન, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, પ્રેમ રતન ધન પાયો અને જોધા અકબર જેવી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિનને ચાર વખત બેસ્ટ આર્ટ ડાયરેક્શનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈને ₹252-કરોડની લોન પરત ચૂકવવામાં મુશ્કેલી પડી હતી અને નાદારી અદાલતે ગયા અઠવાડિયે તેમની કંપની સામે નાદારીની અરજી સ્વીકારી હતી. નીતિન દેસાઈની કંપની, ND’s Art Worldએ 2016 અને 2018માં ECL ફાયનાન્સ પાસેથી બે લોન દ્વારા ₹185 કરોડ ઉછીના લીધા હોવાના અહેવાલ મળ્યાં હતા. તેમની નાણાકીય મુશ્કેલીઓ જાન્યુઆરી 2020 માં શરૂ થઈ હતી.