અમેરિકાની સંસદ (કોંગ્રેસ) માં ઇન્ડિયન અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલના નેતૃત્ત્વ રીપ્રઝેન્ટેટિવ રીચ મેકકોર્મિક અને રીપ્રેઝન્ટેટિવ રાજા ક્રિષ્ણમૂર્તિ સહિતના દ્વિપક્ષી ગ્રુપે તાજેતરમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં એક બિલ રજૂ કર્યું હતું.
આ બિલમાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડસ માટે દેશ દીઠ મર્યાદા દૂર કરવાનો અને પરિવાર આધારિત ગ્રીન કાર્ડની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ રજૂ છે. HR6542 એક્ટ તરીકે ઓળખાતા આ બિલનો હેતુ ગ્રીન કાર્ડ અરજદારોની લાંબા સમયથી પડતર અરજીઓનો નિકાલ કરવાનો છે. વિશેષમાં એવા લોકો માટે પ્રસ્તાવ લાભદાયી થઈ શકે છે, જે ભારત અને ચીનથી આવી અમેરિકામાં કાયમી નિવાસીનો દરજ્જો મેળવવા દસકાઓથી રાહ જોઇ રહ્યા હોય. આ અંગે પ્રમિલા
જયપાલે ગયા સપ્તાહે શનિવારે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, “આપણી ઇમિગ્રન્ટ વિઝા સીસ્ટમમાં સુધારો કરવા અને ઇમિગ્રન્ટ વિઝા બેકલોગની મુશ્કેલીઓ હલ કરવા રીપ્રેઝેન્ટેટિવ મેકકોર્મિક અને કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ સાથે આ મહત્વના દ્વિપક્ષી બિલના નેતૃત્વમાં મદદરૂપ થવા બદલ હું ગૌરવ અનુભવું છું. અમે HR6542–ઇમિગ્રેશન વિઝા એફિસિયન્સી એન્ડ સીક્યુરિટી એક્ટ રજૂ કરી રહ્યા છીએ.
આ નિર્ણાયક દ્વિપક્ષી બિલ કોંગ્રેસમાં પસાર કરવું માટે શા માટે જરૂરી છે તે અંગે જાગૃતિ લાવવા અમે ટૂંક સમયમાં કેપિટોલ હિલની મુલાકાત લેવા તત્પર છીએ.” પ્રમિલા જયપાલના આ ટ્વીટ મુજબ, આ બિલ “દેશ દીઠ ભેદભાવપૂર્ણ મર્યાદાઓનો અંત લાવશે અને જે હજારો ભારતીય અને ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સ વર્ષોથી વંચિત રહ્યા છે, તેઓ પોતાના પરિવારોને મળી શકતા નથી અથવા તેમના ભવિષ્યની યોજના બનાવી શકતા નથી તેમને ફાયદો થશે.
આ બિલ “અમેરિકન બિઝનેસીઝને વૈશ્વિક અર્થતંત્રમાં સ્પર્ધા અને નવીનતા લાવવા માટે જરૂરી પ્રતિભાશાળી લોકોને જાળવી રાખવામાં મદદ કરશે.” આ બિલને ઇમિગ્રેશન વોઇસ જેવા જુદા-જુદા ઇમિગ્રેશન હિમાયતી ગ્રુપોએ પણ સમર્થન આપ્યું હતું, તેણે ટ્વીટર પર જણાવ્યું હતું કે, “આ બિલથી ગ્રીન કાર્ડ બેકલોગમાં અટકેલા 1.2 મિલિયનથી વધુ ઉચ્ચ પ્રતિભાશાળી ઇમિગ્રન્ટ્સને રાહત મળશે. અન્યથા, આવા કેટલાક લોકોને તો ગ્રીન કાર્ડ મેળવવા માટે 134 વર્ષ રાહ જોવી પડે તેમ છે.”