સુપ્રીમ કોર્ટમાં 2002ના ગુજરાત રમખાણો અંગેની બીબીસી ડોક્યુમેન્ટરી પર “પ્રતિબંધ” મૂકવાના કેન્દ્રના નિર્ણય સામે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજકર્તાએ કેન્દ્રના નિર્ણયને બદઇરાદાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યો છે. એડવોકેટ એમ એલ શર્માએ દાખલ કરેલી પીઆઇએલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી છે કે તે બીબીસી ડોક્યુમેન્ટરીના પાર્ટ-1 અને પાર્ટ-2 બંનેને ચકાસણી કરીને નિર્ણય કરે. 2002ના ગુજરાત રમખાણોમાં સીધી અને આડકતરી રીતે સંડોવાયેલા અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે. શર્માએ કહ્યું કે તેમની પીઆઈએલમાં તેમણે બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે અને સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે નાગરિકોને કલમ 19 (1) (2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો જોવાનો અધિકાર છે કે નહીં.