વ્હાઇટહાઉસે તેની ક્લાઇમેટ પોલિસી ઓફિસ માટેના નવા ચીફ ઓફ સ્ટાફ તરીકે ઇન્ડિયન અમેરિકન મેધા રાજની નિયુક્તિ કરી છે. મેધા રાજ અગાઉ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ચીફ ઓફ સ્ટાફના એડવાઇઝર અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી હતાં.
મેધા રાજ 2020માં બાઇડન કેમ્પેઇન દરમિયાન ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ હતાં. કોરોના મહામારીને કારણે ચૂંટણીપ્રચાર લગભગ સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હતો ત્યારે તેમની આ ભૂમિકા મહત્ત્વની બની હતી. આ પછી તેઓ સરકારમાં પણ સામેલ થયા છે. વ્હાઇટહાઉસની ક્લાઇમેટ ઓફિસ ટ્રાન્સપોર્ટેશન ઇમિશન, ક્લિન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર અને અન્ય મુદ્દા માટે કામગીરી કરે છે. આ હોદ્દા પર મેધા રાજ મેગી થોમસનું સ્થાન લેશે. મેગી થોમસની ક્લાઇમેટ અંગેના પ્રેસિડન્ટના સ્પેશ્યલ આસિસ્ટન્ટ તરીકે વરણી કરાઈ છે.
મેધા રાજ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અને સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ થયેલાં છે. મેધા રાજ સ્પેનની રિયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ અલ્કેનોમાં રીસર્ચ આસિસ્ટન્ટ હતાં. તેમણે લોસ એન્જેલસના મેયર એરિક ગાર્સેટીની ઓફિસમાં પણ સેવા આપી છે. ગાર્સેટી હાલમાં ભારત ખાતેના અમેરિકામા રાજદૂત છે.