ખાલિસ્તાની ત્રાસવાદી ગુરૂપતવંતસિંહ પન્નુનની અમેરિકામાં હત્યા કરવાના કથિત કાવતરાંમાં ભારતીય અધિકારીઓ સંડોવાયેલા હોવા અંગેના અમેરિકાના સત્તાવાળાઓ આક્ષેપના કારણે બંને દેશો વચ્ચે ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ સર્જાઇ શકે છે એમ પાંચ ઇન્ડિયન-અમેરિકન સાંસદોએ તાજેતરમાં જણાવ્યું હતું.

જો અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદારે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારતીય તપાસ અધિકારીઓ પન્નુ કેસની યોગ્ય તપાસ નહીં કરે તો તેની અસર ભારત-અમેરિકાના સંબંધો પર પડી શકે છે. પન્નુનની હત્યાના કાવતરામાં સંડોવાયેલા મનાતા નિખિલ ગુપ્તા નામના એક ભારતીયની ચેક રિપબ્લિકમાં ધરપકડ થઇ છે અને તેની સોંપણી અમેરિકાને થવાની છે.

આ દરમિયાન, બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓએ આ પાંચ ઇન્ડિયન અમેરિકન સાંસદોને નિખિલ ગુપ્તા સામેના આરોપો અંગે માહિતી આપી હતી. આ પછી પાંચેય સાંસદોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ સાંસદોએ પોતાના નિવદેનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્યો તરીકે, અમારા લોકો અને વ્યવસ્થાની ભલાઈ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુકવામાં આવેલા આરોપો ચિંતાજનક છે. અમે આ મામલે તપાસ કરવાની ભારત સરકારની જાહેરાતને આવકારીએ છીએ. ભારતે ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આરોપીઓને શોધી કાઢવા જરૂરી છે. અમે માનીએ છીએ કે યુએસ-ભારતની ભાગીદારીની બંને દેશોના લોકો પર સકારાત્મક અસર પડી છે. જો તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો ભાગીદારીને નુકસાન થઈ શકે છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, 52 વર્ષીય નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે. ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય સરકારી અધિકારીઓના સંપર્કમાં હતો.

નિખિલ ગુપ્તા પર અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા આતંકવાદી પન્નુની હત્યા માટે હિટમેન નિયુક્ત કરવાના પ્રયત્ન કરવાનો આરોપ છે. આ ‘હિટમેન’ અમેરિકાનો એક ગુપ્ત એજન્ટ હતો. નિખિલ ગુપ્તા હાલ ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. તેણે તેની અરજીમાં કહ્યું છે કે તેની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે, અને તેને એવી બીક છે કે તેનું જીવન જોખમમાં છે.

LEAVE A REPLY