થેમ્સ વોટરે ઑક્ટોબર 2017માં ગૅટવિક ઍરપોર્ટ નજીક આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી સસેક્સની ગેટવિક સ્ટ્રીમ અને સરેની મોલ નદીમાં ગટરનું લાખો લીટર ગંદુ પાણી છોડતા 1,400થી વધુ માછલીઓ મરણ પામતાં કોર્ટે થેમ્સ વોટરને £3.3 મિલિયનનો દંડ કર્યો હતો.
15 મિલિયન ઘરોને સેવા આપતી થેમ્સ વોટરે એન્વાયર્નમેન્ટ એજન્સીની કાર્યવાહીમાં નદીઓને પ્રદૂષિત કરવા સંબંધિત ચાર આરોપોમાં દોષિત હોવાનું સ્વીકારતા લુઈસ ક્રાઉન કોર્ટમાં દંડ કરાયો હતો. કંપની વધતા દેવા વચ્ચે તેના ભવિષ્ય અંગે ચિંતાનો સામનો કરે છે.
જજ ક્રિસ્ટીન લેઇંગ કેસીએ જણાવ્યું હતું કે તેણી માને છે કે થેમ્સ વોટરે પાણીના મીટર રીડીંગને અવગણીને અને જવાબદારીનો ઇનકાર કરી રેગ્યુલેટરને રિપોર્ટ સબમિટ કરીને એન્વાયર્નમેન્ટ એજન્સીને ગેરમાર્ગે દોરવાનો “ઇરાદાપૂર્વકનો પ્રયાસ” કર્યો હતો.
21 કલાક સુધી કોઈ નોંધપાત્ર વરસાદ ન હોવા છતાં, સ્ટ્રોમ ટેન્કમાંથી અંદાજિત છ કલાક સુધી ગટરનું પાણી નદીમાં ઠાલવ્યું હતું. આ માટે સ્ટાફને ચેતવણી આપવા માટે કોઈ એલાર્મ પણ ન હતું. સુનાવણી દરમિયાન પ્રોસીક્યુટર શ્રી શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ‘’ગટરનું ગંદુ પાણી વહેવું એ “બનવાની રાહ જોઈ રહેલો અકસ્માત” હતો.
થેમ્સ વોટરને પ્રદૂષણ ફેલાવવા બદલ આ અગાઉ 20 વખત દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ, સારાહ બેન્ટલી બે વર્ષ સેવા બજાવ્યા બાદ પદ પરથી નીચે ઉતરી ગયા હતા. અન્ય કંપની સાઉથર્ન વોટરને ગટરના પાણીના ગેરકાયદેસર નિકાલ માટે રેકોર્ડ £90 મિલીયનનો દંડ કરાયો છે.