વિદેશીઓમાં ટુરિસ્ટ સ્પોટ તરીકે લોકપ્રિય થાઈલેન્ડ એશિયાનો પ્રથમ એવો દેશ બની ગયો છે જેણે ગાંજાના સેવનને અને ગાંજાને ઘરમાં ઉગાડવા માટે માન્યતા આપી દીધી છે.
થાઈલેન્ડમાં લોકો હવે ગાંજો પી પણ શકશે અને તેને ઉગાડી પણ શકશે. તેને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. સરકારની યોજના આખા દેશમાં ગાંજાના બિયારણને મોકલવાની છે.
દેશના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, અમે થાઈલેન્ડને વીડ વન્ડરલેન્ડ તરીકે ડેવલપ કરવા ઇચ્છીએ છીએ. નવા નિયમ પ્રમાણે લોકો મેડિકલ આધારે ગાંજાનું ઉત્પાદન કરી શકશે. તેનું સેવન કરી શકશે અને તેને વેચી શકશે. જોકે શોખથી ગાંજો પીવા પર પ્રતિબંધ યથાવત છે.
સરકારને આશા છે કે, ગાંજાની ખેતીના કારણે દેશને કમાણી થશે અને કોરોનાના કારણે ધીમી પડેલી અર્થતંત્રને મદદ મળશે. સરકારે આપેલી માન્યતા બાદ કેટલાક લોકોએ થાઈલેન્ડમાં આ જાહેરાતની ઉજવણી પણ કરી હતી. બેંગકોકના એક કાફેમાં ગાંજો ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેઓ ખુશ દેખાતા હતા.
થાઈલેન્ડમાં ચોકવાન કિટ્ટી ચોપકા નામની એક મિઠાઈ પણ લોકપ્રિય છે. જે ગાંજામાંથી બને છે. કોરોનાના કારણે તેના ઉત્પાદનમાં પણ મંદી જોવા મળી રહી છે.