સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું
સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત ન મળતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનની રાત્રે રાજીનામું આપ્યું હતું.. આની સાથે શિવસેનાના 39 ધારાસભ્યોના બળવા પછી ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને દેવેન્દ્ર ફડનવીસની આગેવાની હેઠળ ભાજપ માટે સરકાર રચવાનો માર્ગ મોકળો થયો છે. 30 જૂને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાના રાજ્યપાલના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમને આંકડાની રમતમાં રસ નથી અને તેઓ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યાં છે.
રાત્રે વેબકાસ્ટમાં ઠાકરેએ જણાવ્યું હતું કે હું વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે શિવસૈનિકોને રસ્તા પર વિરોધી દેખાવો ન કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
શિવસેના, એનસીપી-કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકારને ગુરુવારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાના રાજ્યપાલના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યાની થોડી મિનિટોમાં તેમણે આ જાહેરાત કરી દીધી હતી.
ઉદ્ધવ ઠાકરે સામે એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો. શરૂઆતમાં બળવાખોરોની સંખ્યા 15થી 18 હતી પરંતુ તે ધીમે ધીમે વધીને 39 સુધી પહોંચી હતી. તેનાથી ઉદ્ધવ ઠાકરે માટે તેમની સરકારને બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઇ રાહત મળી ન હતી.
ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યોને મુંબઈમાં પરત આવવા દેવાની અને તેમની સામે વિરોધી દેખાવો ન કરવાનો પણ શિવસૈનિકોને અનુરોધ કર્યો હતો. બીજી તરફ એકનાથ શિંદના વડપણ હેઠળ બળવાખોરો ધારાસભ્યો પણ ગૌહાટીમાંથી નીકળ્યા હતા અને તેઓ ગોવા આવ્યા હતા. રાજ્યપાલે 30 જૂને ઉદ્ધવ ઠાકરેને બહુમતી પુરવાર કરવાની તાકીદ કરી હોવાથી બળવાખોરો મુંબઈની નજીક ગોવા આવ્યા હતા.
ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના અને બાલાસાહેબને કારણે રાજકીય કદ મેળવનારા બળવાખોરોને બાલાસાહેબના પુત્રને મુખ્યપ્રધાનના પદ પરથી દૂર કરવાનો આનંદ અને સંતોષ માણવા દો. હું નંબર ગેમમાં પડવા માગતો નથી. મારી પાર્ટીનો એક પણ સાથીદાર મારી વિરુદ્ધમાં ઊભો થાય તે જોવાનું મારા માટે શરમજનક છે. તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે અને શિવસૈનિકોને અટકાયતામાં લેવામાં આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે છેલ્લી કેબિનેટ બેઠકમાં આરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાના તેમના નિર્ણયનો કોંગ્રેસ અને એનસીપીએ વિરોધ કર્યો ન હતો. તેમણે મહાવિકાસ અઘાડી સરકાર ચલાવવા માટે આપેલા સહકાર અને સમર્થન બદલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના વડા શરદ પવારનો આભાવ માન્યો હતો. ઠાકરેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા અશોક ચવાણે મને કહ્યું હતું કે જો બળવાખોરો ઇચ્છતા હોય તો કોંગ્રેસ સરકારમાંથી બહાર નીકળી જવા અને બહારથી સપોર્ટ આપવા તૈયાર છે. જે લોકો મને તરછોડી જવાની અપેક્ષા હતી તે લોકોએ મને સાથ આપ્યો છે અને મારા પોતાના લોકોએ મારો વિશ્વાસઘાત કર્યો છે.
બળવાખોરોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમની સમસ્યા શું હતું? સુરત અને ગૌહાટી જવાની જગ્યાએ તમારે સીધા મારી પાસે આવવાની જરૂર હતી. શિવસેના આમ આદમીની પાર્ટી છે અને ઘણા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેઓ પાર્ટીનું પુનઃનિર્માણ કરશે.