ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં શિવસેનાના ઠાકરે જૂથ અને શિંદે જૂથના જવાબને ધ્યાનમાં લીધા પછી શનિવારે મોટો નિર્ણય કરીને શિવસેનાના ચૂંટણી પ્રતિક ધનુષ અને બાણને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું છે. આનો અર્થ એવો થાય છે કે શિવસેનાના આ બંનેમાંથી એક પણ જૂથ આ ચૂંટણીપ્રતિકનો હાલમાં ઉપયોગ કરી શકશે નહીં. આની સાથે સાથે ચૂંટણીપંચે શિવસેના નામના ઉપયોગ પર પણ હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. આમ બંને જૂથો આગામી ચૂંટણીમાં શિવસેના પાર્ટીના નામનો પણ ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણીપંચે શનિવારે વચગાળાનો આદેશ આપીને આ મુદ્દાનો અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી ચૂંટણીપ્રતિક અને શિવસેના નામ બંનેને સ્થગિત કરી દીધા છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે બંને જૂથોને અંધેરીપૂર્વની પેટાચૂંટણીના હેતુ માટે અલગ અલગ ચૂંટણીપ્રતિકની ફાળવણી કરવામાં આવશે. બંને જૂથો ચૂંટણીપંચે નોફિફાઈ કરેલા ફ્રી પ્રતિકોની યાદીમાં પોતાની રીતે પસંદગી કરી શકશે. તેથી બંને જૂથે 10 ઓક્ટોબર બપોર 1 વાગ્યા સુધી આ અંગેની માહિતી આપવી પડશે. શુક્રવારે ચૂંટણીપંચે રાજ્યમાં આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપ્રતિક અંગે શિંદે જૂથના દાવા અંગે ઠાકરે જૂથ પાસેથી શનિવાર સુધી જવાબ માંગ્યો હતો. 3 નવેમ્બરે અંધેરી પૂર્વના બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સત્તારૂઢ ગઠબંધન તરફથી આ બેઠક પર ભાજપનો ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કરાયો છે. કોંગ્રેસ અને એનસીપીએ ઠાકરે જૂથના ઉમેદવારને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.
આમ અંધેરી પૂર્વ બેઠકની પેટાચૂંટણીમાં એકપણ જૂથ ચૂંટણીપ્રતિક કે શિવસેના શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણીપંચના આદેશથી ઠાકરે જૂથને ફટકો પડ્યો છે, કારણ કે પેટાચૂંટણીમાં શિંદે જૂથ પોતાનો ઉમેદવાર ઊભો રાખવાનું નથી અને ભાજપને ઉમેદવારને ટેકો આપવાનું છે.
શિવસેનાના ચૂંટણીપ્રતિક અંગે શિવસેનાના બંને જૂથો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલે છે. ઉધ્ધવ ઠાકરે પોતાના પિતાની પાર્ટી બતાવીને તેના પર દાવો કરે છે, જ્યારે સીએમ શિંદે જણાવે છે કે લોકશાહીમાં પાર્ટીને એની હોય છે કે જેની પાસે બહુમતી હોય છે. હાલમાં બહુમતી તેમની પાસે છે. પરંતુ હવે ચૂંટણીપંચના વચગાળાના નિર્ણયને કારણે બંને જૂથો શિવસેના નામ અને ચૂંટણીપ્રતિકનો ઉપયોગ કરી કશે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે થોડા દિવસો પહેલા આ આ મુદ્દે ટીમ ઠાકરે અને ટીમ શિંદે પાસે જવાબ માંગ્યો હતો. ઉધ્ધવ ઠાકરે ગ્રૂપે શિવસેના પાર્ટી પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરીને શુક્રવારે ચૂંટણી પંચને જવાબ આપ્યો હતો. તેમાં ઉધ્ધવ ઠાકરે જૂથે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના હાલના સીએમ એકનાથ શિંદે શિવસેનાના અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સ્વૈચ્છાએ પાર્ટી છોડીને જતાં રહ્યાં છે. તેથી તેઓ પાર્ટીના ચૂંટણીપ્રતિક પર દાવો કરી શકે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉઘ્ધવ જૂથે 5 લાખથી વધુ પાર્ટી હોદ્દેદારો અને સભ્યોના સમર્થન સાથે એક સોગંદનામું રજૂ કર્યું હતું. ઠાકરે જૂથના દાવા પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે શિવસેનાના ચૂંટણીપ્રતિક ધનુષ અને બાણ પર દાવો કરીને ચૂંટણીપંચને એક પત્ર લખ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અંધેરી પૂર્વની બેઠક પર પેટાચૂંટણી થવાની થવાની છે. અંધરી બેઠક સત્તારૂઢ ગઠબંધન વતી ભાજપ ચૂંટણી લડશે. જોકે શિંદે જૂથે જણાવ્યું હતું કે જો ચૂંટણીપંચ કોઇ નિર્ણય નહીં કરે તો ઠાકરે જૂથ શિવસેનાના ચૂંટણીપ્રતિકનો ઉપયોગ કરી શકે છે.શિંદે જૂથ પોતાને અસલી શિવસેના હોવાનો દાવો કરે છે. શિંદે જૂથે ધનુષ અને બાણના ચૂંટણીપ્રતિક ઉપરાંત પાર્ટીના સ્થાપક બાળ ઠાકરેની વિરાસત પર પણ દાવો કર્યો છે.