Texas woman sentenced to death for killing pregnant woman and fetus

ટેકસાસની રહેવાસી એક મહિલાને તેની ગર્ભવતી મહિલા મિત્ર અને તેના ભૃણની હત્યા કરવા બદલ મોતની સજા ફટકારવામાં આવી છે, તેમ ન્યૂયોર્ક પોસ્ટના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 29 વર્ષીય ટેઇલર રીન પાર્કર આ હત્યા કેસમાં 3 ઓક્ટોબરના રોજ દોષિત ઠરી હતી. તેણે 21 વર્ષીય રીગન સિમોન્સ હેનકોકને ઓક્ટોબરમાં છરી મારી હતી અને તેના બાળકને પેટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેના આ હિચકારા હુમલામાં ગર્ભસ્થ બાળા મૃત્યુ પામી હતી. બોવી કાઉન્ટીમાં છ સભ્યોની જ્યૂરીએ તેને જેલની સજા સંભળાવી હતી. સ્થાનિક અખબાર-ટેક્સારકાના ગેઝેટે જણાવ્યું હતું કે, જ્યૂરી એક કલાક અને 15 મિનિટમાં પોતાનો ચૂકાદો આપી દીધો હતો.
જ્યૂરીનો ચૂકાદો મળતાં જ જજ જોન ટિડવેલે પાર્કરને જણાવ્યું હતું કે, તમે હત્યા કેસમાં દોષિત જણાયા છો અને ટેક્સાસના કાયદા મુજબ મોતની સજા કરવામાં આવી છે. હું તમને ઔપચારિક રીતે મોતની સજા ફરમાવું છું. હેનકોકની માતા, જેસિકા બ્રૂક્સે પાર્કરને રાક્ષસ કહી હતી.
પાર્કરે, હેનકોકના બાળકને પોતાના બાળક તરીકે રજૂ કરવા માટે આ જઘન્ય ગુનો કર્યો હતો. ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, પાર્કરે તેના બોયફ્રેન્ડને પોતે ગર્ભવતી છે તેવું દેખાડવા માટે મહિનાઓ સુધી તેવો દેખાડો કર્યો હતો અને સંભવિત પીડિતાને શોધતી વખતે તેની ખોટી શારીરિક સ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તે સારવાર લીધા પછી પણ ગર્ભધારણ કરી શકી ન હતી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે પાર્કરે તેના બોયફ્રેન્ડને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે, તે તેના બાળકને લઈ જઇ રહી છે, કારણ કે તેને તેનો બોયફ્રેન્ડને ગુમાવવાનો ડર હતો.
પ્રોસિક્યુટર્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર 9, 2020ના રોજ, પાર્કર તેની મિત્ર હેનકોકના ઘરે ગઈ, જે તેની ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતી, અને ત્યાં જઇને પાર્કરે તેને 100થી વધુ વખત છરીના ઘા માર્યા હતા. પાર્કરે પછી પેટ ચીરીને ભૃણને બહાર કાઢ્યું હતું. તે હેનકોકના ત્રણ વર્ષના બાળકને બીજા રૂમમાં સૂતુ છોડીને ત્યાંથી ભાગ ગઇ હતી.
પાર્કર તે બાળક સાથે ગાડી ચલાવીને જઇ રહી હતી ત્યારે પોલીસે તેને અટકાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે અત્યારે જ બાળકને જન્મ આપ્યો છે. બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ તે મૃત્યુ પામ્યું હતું.

LEAVE A REPLY