અમેરિકાના પશ્ચિમી ટેક્સાસમાં આવેલા એક ડેરી ફાર્મમાં થયેલાં એક પ્રચંડ વિસ્ફોટ અને આગને કારણે 18 હજારથી વધુ ગાયોના મોત થયા છે. અત્યાર સુધીમાં એક સાથે આટલી મોટી સંખ્યાંમાં પશુઓના મોતની આ પ્રથમ ઘટના છે.
ટેક્સાસસ્થિત ડિમિટ્ટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં બનેલી આ દુર્ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી ધૂમાડાનું વાતાવરણ છવાયું હતું. જોકે આ વિસ્ફોટમાં કોઈ માનવીય જાનહાનિ નથી થઈ, પરંતુ ફાર્મના એક કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિક અદાલતના જજ મેન્ડી ફેલરે જણાવ્યું હતું કે ફાર્મમાં રહેલા કોઈ ઉપકરણમાં ક્ષતિને કારણે આ કરૂણાંતિકા સર્જાઈ હોય તેવું બની શકે. મરનારી ગાયોમાં મુખ્યત્વે હોલસ્ટેઈન તથા જર્સી પ્રકારની ગાયો હતી. આટલી મોટી સંખ્યામાં ગાયોના મોતથી સ્થાનિક કૃષિ પર આર્થિક વિપરીત અસરો પડશે તેવું માનવામાં આવે છે. એક ધારણા મુજબ દરેક ગાયની કિંમત અંદાજે 2000 ડોલર જેટલી છે. આ અંગે ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણી મહેનત પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફાર્મ થોડીક જ ક્ષણોમાં સળગી ગયું હતું.