ભારત સામેની ટેસ્ટ સીરીઝના આરંભે જ ઈંગ્લેન્ડે વિજય મેળવી ભારતને ઘરઆંગણે દબાણમાં લાવી દીધું હતું. મંગળવારે (9 ફેબ્રુઆરી) પુરી થયેલી ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 227 રને વિજય થયો હતો. મુખ્યત્ત્વે પહેલી ઈનિંગની 241 રનની લીડે ભારતને હરાવ્યું હતું, તો બીજી ઈનિંગમાં ઓપનર ગીલ અને સુકાની કોહલી સિવાયના મોખરાની હરોળના બેટ્સમેન ટર્ન લેતી વિકેટ ઉપર ટકી શક્યા નહોતા. આક્રમક ઓપનર રોહિત શર્મા તથા ઉપસુકાની અજિંક્ય રહાણેએ બન્ને ઈનિંગમાં ચાહકોને નિરાશ કર્યા હતા. પહેલી ઈનિંગમાં ડબલ સેન્ચુરી મારનારા ઈંગ્લેન્ડના સુકાની જો રૂટને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
રૂટે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી બે વિકેટ સસ્તામાં ખેરવ્યા પછી ભારતને વધુ સફળતા માટે લાંબી રાહ જોવી પડી હતી. ત્રીજી વિકેટની ભાગીદારીમાં રૂટ અને ઓપનર સિબલીએ 200 રન કર્યા હતા. પહેલા દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટે 263 રનનો હતો. બીજા દિવસે પણ ઈંગ્લેન્ડે વધુ પાંચ વિકેટ ગુમાવી સ્કોર 555 સુધી પહોંચાડ્યો હતો. એકંદરે ઈંગ્લેન્ડ તરફથી રૂટે 218, સિબલીએ 87, બેન સ્ટોક્સે 82, ઓલિપ પોપ અને ડોમ બેસે 34-34, ઓપનર રોરી બર્ન્સે 33 તથા વિકેટ કીપર બટલરે 30 રનનો ફાળો આપ્યો હતો, તે સાથે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ ત્રીજા દિવસે સવારે 558 રનમાં પુરી થઈ હતી.
ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 તથા ઈશાંત શર્મા અને નવોદિત શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી હતી. ભારતે તેના જવાબમાં પહેલી ઈનિંગમાં 337 રન કર્યા હતા, જેમાં રીષભ પંતના 91, વોશિંગ્ટન સુંદરના 85 અને ચેતેશ્વર પુજારાના 73 રન મુખ્ય હતા. ઈંગ્લેન્ડ તરફથી ડોમ બેસે 4 તથા જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન અને જેક લીચે 2-2 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ફક્ત 178 રનમાં પુરી થઈ ગઈ હતી, પણ પહેલી ઈનિંગની લીડ સાથે ભારત સામે ચોથી ઈનિંગમાં વિજય માટે 420 રનનો કપરો ટાર્ગેટ આવ્યો હતો. જો રૂટ ફરી 40 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો, તો ભારત તરફથી અશ્વિને 61 રનમાં 6 તથા નદીમે 2 અને ઈશાંત – બુમરાહે 1-1 વિકેટ લીધી હતી. ભારતનો બીજી ઈનિંગમાં દેખાવ સાવ કંગાળ રહ્યો હતો, તે એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં, ફક્ત 58.1 ઓવર્સમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલીના 72 અને ગીલના 50 રન મુખ્ય રહ્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3 તથા આર્ચર, બેસ અને સ્ટોક્સે 1-1 વિકેટ લીધી હતી.