
અમદાવાદમાં ગયા સપ્તાહે નવા બંધાયેલા સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમતાં ઈંગ્લેન્ડે બેટિંગમાં સાવ કંગાળ દેખાવ કરતાં ભારતે ફક્ત બે દિવસમાં મેચ સમેટી લઈ 10 વિકેટે વિજય મેળવ્યો હતો. ફક્ત બે જ દિવસમાં 30 વિકેટ ખરી પડી હતી અને તેમાંથી સ્પિનર્સે
28 વિકેટ લીધી હતી. ભારતીય ટીમમાંથી ગુજરાતના જ સ્પિનર અક્સર પટેલે ચેન્નાઈની બીજી ટેસ્ટ પછી અમદાવાદની ત્રીજી ટેસ્ટમાં પણ શાનદાર દેખાવ સાથે 11 વિકેટ (6 અને 5) ઝડપી હતી અને તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ટીમના બીજા સ્પિનર રવિચન્દ્રન અશ્વિને 7 વિકેટ (3 અને 4) લીધી હતી, તો બાકીની બે વિકેટમાંથી એક ફાસ્ટ બોલર ઈશાંત શર્માને પહેલી ઈનિંગમાં તથા બીજી સ્પિનર વોશિંગ્ટન સુંદરને બીજી ઈનિંગમાં મળી હતી.
અમદાવાદની વિકેટ બેટ્સમેન માટે સ્હેજે સાનુકુળ નહોતી અને પહેલા જ દિવસે બીજા સેશનમાં તો ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 112 રનમાં પુરી થઈ ગઈ હતી. દિવસના અંતે તો ભારતે પણ 99 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી પહેલી ઈનિંગમાં ઓપનર રોહિત શર્માએ 66 તથા સુકાની કોહલીએ 27 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી સ્પિનર જેક લીચે ટોચના ક્રમના ચાર બેટ્સમેનને તંબુભેગા કર્યા હતા. જો રૂટને પાંચ તેમજ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને એક વિકેટ મળી હતી. ભારતની પહેલી ઈનિંગ પણ ફક્ત 145 રનમાં પુરી થઈ ગઈ હતી. આ રીતે, ભારતને ફક્ત 33 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ માટે જો કે, આટલી લીડ પણ અધધ બની ગઈ હતી અને બીજી ઈનિંગ તો તે ફક્ત 30.4 ઓવર્સમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. લીડ પુરી કરતાં પહેલા તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સે 25 અને સુકાની જો રૂટે 19 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, તો ઓલી પોપે 12 રન કર્યા હતા.
આ રીતે, ભારતે વિજય માટે ફ્કત 49 રન કરવાના રહ્યા હતા, જે ઓપનર્સ રોહિત શર્મા તથા શુભમાન ગિલે 7.4 ઓવર્સમાં જ કરી નાખ્યા હતા. આ સાથે, સુકાની કોહલીએ ભારતમાં 22 ટેસ્ટ વિજય સાથે ધોનીનો રેકોર્ડ તોડી ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ મેચમાં વિજયનો નવો રેકોર્ડ કર્યો હતો.
ભારત હવે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેનું મજબૂત દાવેદાર બન્યું છે. ચોથી અને છેલ્લી ટેસ્ટ પણ અમદાવાદમાં રમાવાની છે અને તે ડ્રો થાય તો પણ ભારતનું ફાઈનલમાં સ્થાન નિશ્ચિત રહે છે. ભારત હારે તો તેના સ્થાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને તક મળશે અને તે ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરશે. ફક્ત બે દિવસમાં ટેસ્ટ મેચ સમેટાઈ જવાના કારણે કેટલાય ક્રિકેટ રસિયાઓને નિરાશ થવું પડ્યું
