વિશ્વની જાણીતી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ કેટલીક શરતો સાથે ભારતમાં 2 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ નાંખવાની દરખાસ્ત કરી છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ટેસ્લા ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવા માટે $2 બિલિયન સુધીના રોકાણ પર નજર રાખી રહી છે જો તેને અહીં તેના પ્રથમ બે વર્ષમાં આયાતી વાહનો પર 15 ટકા કન્સેશનલ ડ્યુટી મળે, એમ ધ ઇકોનોમિક ટાઇમ્સ (ET) એ શુક્રવારે અહેવાલ આપ્યો હતો.
ભારત જો પ્રથમ બે વર્ષમાં આયાતી વ્હિકલ પર 15 ટકાની ડ્યૂટી રાખે તો તે ભારતમાં ફેક્ટરી સ્થાપવા બે અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. અમેરિકાની કંપનીએ ભારત સરકારને આ અંગેની દરખાસ્ત કરે છે. ભારતમાં હાલમાં 40,000 ડોલરથી વધુ કિંમતની કારની આયાત ડ્યૂટી 10 ટકા છે. તેનાથી ઓછી કિંમતની કાર પર 70 ટકા આયાત ડ્યુટી લાગુ પડે છે.
ઇલોન મસ્ક અને કેન્દ્ર સરકાર આગામી વર્ષે કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ૨૦૨૪માં ભારતમાં ફેક્ટરી શરૂ કરવાની જાહેરાત કરશે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર ટેસ્લા અને ભારત સરકાર કરારની બહુ નજીક છે. જેને પગલે અમેરિકન કાર કંપની ભારતને કારની નિકાસ કરી શકશે. જાન્યુઆરી ૨૦૨૪ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સોદાની જાહેરાત થવાની શક્યતા છે. ટેસ્લા ઇલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરવા ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રના નામ પર વિચારણા કરી રહી છે.
ઇલોન મસ્કની કંપની અત્યારે અમેરિકા, ચીન અને જર્મનીમાં ફેક્ટરી ધરાવે છે. ઇલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવાની મોદી સરકારની નીતિથી ટેસ્લાનો મોટો ફાયદો થવાની શક્યતા છે. ભારતના ઇલેક્ટ્રિક વ્હિકલ બજારનું કદ હજુ ઘણું નાનું છે. ગયા વર્ષે દેશમાં વેચાયેલા કુલ પેસેન્જર વ્હિકલ્સમાં બેટરીથી ચાલતા વાહનોનો હિસ્સો માત્ર ૧.૩ ટકા હતો. ભારતમાં ટેસ્લાના વાહનોને આયાત કરવાના ટેરિફ ઘણા ઊંચા છે.
ઇલોન મસ્કે જૂનમાં ભારતમાં મોટા પાયે રોકાણનો સંકેત આપ્યો હતો. તેમણે ૨૦૨૪માં ભારત આવવાની વાત પણ દોહરાવી હતી. અગાઉ મસ્કે ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી અને વધુ પડતા ઇમ્પોર્ટ ટેક્સ માટે ભારતની ટીકા કરી હતી. તેના જવાબમાં કેન્દ્ર સરકારે ટેસ્લાને ચીનમાં બનેલી કાર ભારતમાં વેચવાને બદલે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ માટે આગ્રહ કર્યો હતો