REUTERS/Peter Cziborra/File Photo

વિશ્વની અગ્રણી આઇકોનિક ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવા માટે સક્રિય બની છે. અમેરિકાની આ કંપનીની ટીમ ચાલુ મહિનાના અંત ભાગમાં ભારત આવી પહોંચશે તથા ગુજરાત, તામિલનાડુ અથવા મહારાષ્ટ્ર જેવા ઓટો હબમાંથી કોઈ એક રાજ્યની પર પસંદગીનો કળશ ઢોળશે. જો ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા અંગે કોઈ નક્કર નિર્ણય કરશે તો ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને બહુ મોટો ફાયદો થશે.

બ્રિટિશ વર્તમાનપત્ર ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે અબજોપતિ એલોન મસ્કની આગેવાની હેઠળ ટેસ્લા એપ્રિલના અંત સુધીમાં અમેરિકાથી એક ટીમને પ્લાન્ટ માટેની સાઇટ્સનો અભ્યાસ કરવા મોકલશે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ ધરાવતા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓ હરિયાણામાં પણ પ્લાન્ટ ધરાવે છે, પરંતુ ટેસ્લાની ફેક્ટરી અન્ય ત્રણ રાજ્યોમાં હશે કારણ કે આ રાજ્યો દરિયાકાંઠે હોવાથી ત્યાં બંદરની સુવિધા ઉપલબ્ધ છે. ટેસ્લા કારની નિકાસ કરવાનું સરળ બને તે માટે બંદરની સુવિધા ધરાવતા રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા માંગે છે

સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટેસ્લા ભારતમાં પણ કેલિફોર્નિયા, ટેક્સાસ, બર્લિન અને શાંઘાઈ જેવા મોડલને અનુસરી શકે છે. કંપનીએ આ દેશોમાં “ગીગાફેક્ટરી” મોડેલ અપનાવ્યું છે, જેમાં કંપની પોતાનો જ બેટરી પ્લાન્ટ સ્થાપવાનું વિચારી શકે છે અને તેની આજુબાજુ સપ્લાયર્સના પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા મહિને કાર નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત અમુક ઈલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો હતો. જો કંપની કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ વર્ષની સમયમર્યાદા સાથે ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ હોય તો તેને આ લાભ મળી શકે છે. સરકારના આ નિર્ણય બાદ, ટેસ્લાએ તેની ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે.

ટેસ્લા ઘણા વર્ષોથી ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરી રહી છે પરંતુ ભારત સરકાર સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માંગતી હોવાથી તેમજ કરવેરા ઊંચા હોવાથી કંપની હજુ સુધી પ્લાન્ટ સ્થાપવામાં સફળ થઈ નથી. ટેસ્લાના અધિકારીઓ છેલ્લા વર્ષથી ભારતના સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. કંપનીના સીઈઓ મસ્ક પણ જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

ઓટો ઉદ્યોગના વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગને વૈશ્વિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા, ઉત્પાદન શ્રેણીને વિસ્તૃત કરવા અને ખર્ચ સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે પણ સક્ષમ બનાવશે.

 

 

LEAVE A REPLY