વિશ્વભરના શેર બજારોમાં ચાલી રહેલા ઉથલપાથલને કારણે બિલિયોનેર ઇન્ડેક્સમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. શેરોમાં થયેલા વધારાને પગલે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના સહ-સ્થાપક અને CEO એલન મસ્ક વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
સોમવારે તેની કુલ સંપત્તિ 115 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. એલન મસ્કે ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગને હરાવીને ત્રીજો ક્રમ મેળવ્યો છે. માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ 111 અબજ ડોલર છે. વર્ષ 2020 એલન મસ્ક માટે ખૂબ નસીબદાર સાબિત થઈ રહ્યું છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, આ વર્ષે મસ્કની કુલ સંપત્તિ અત્યાર સુધીમાં 87.8 અબજ ડોલર વધી ગઈ છે. શેરમાં વધારાને કારણે આ બધું થયું છે. 2020માં, ટેસ્લાના શેર અત્યાર સુધીમાં લગભગ 500%નો વધારો થયો છે. આ સિવાય ભારેખમ સેલેરી પેકેજનો પણ મસ્કને ફાયદો થયો છે.
જો ટેસ્લા આ વર્ષે તમામ લક્ષ્યોને પૂર્ણ કરે છે, તો મસ્કને 50 અબજ ડોલરનો પગાર મળશે. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં આઠમા સ્થાને આવી ગયા છે.
મુકેશ અંબાણીની સંપત્તિ ઘટીને 79.8 અબજ ડોલર છે. આ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી ચોથા ક્રમ સુધી પહોચ્યા હતા. 28 જુલાઈએ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 81.9 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. આ તેમનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર હતું. રોકાણકાર વોરેન બફેટ 82.5 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે. ટેસ્લાના CEO એલન મસ્ક ગયા અઠવાડિયે સેન્ટિબિલિયર ક્લબમાં જોડાયા હતા.
એલન આ ક્લબમાં જોડાનાર વિશ્વના ચોથા વ્યક્તિ છે. તેમના પહેલાં, સેન્ટિબિલિયોનર ક્લબમાં ફક્ત માર્ક ઝકરબર્ગ, જેફ બેજોસ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો સમાવેશ થતો હતો. શેરના વધારાના પરિણામે ટેસ્લાની માર્કેટ વેલ્યુ 464 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે અને તેણે વોલમાર્ટને પાછળ રાખી દીધી છે.
ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેજોસની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટ વિશ્વની સૌથી ધનિક મહિલા બની છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, મેકેન્ઝીની કુલ સંપત્તિ 66.4 અબજ થઈ ગઈ છે. 50 વર્ષના સ્કોટનો એમેઝોન ડોટ કોમમાં 4% હિસ્સો છે. છૂટાછેડા માટે વળતર તરીકે સ્કોટને આ હિસ્સો મળ્યો હતો.