વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હિકલ કંપની ટેસ્લાએ બેઠક યોજવા માટે ભારત સરકારનો સંપર્ક કર્યો છે. જોકે સરકાર હાલમાં આયાત જકાતમાં કાપ મૂકવાની કોઇ વિચારણા કરી રહી નથી, કારણ કે સરકાર સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માગે છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

અગાઉ ટેસ્લાએ આયાત જકાતમાં કાપ મૂકવાની દરખાસ્ત કરી હતી, જેને સરકારે સ્વીકારી ન હતી. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ટેસ્લા અગાઉની દરખાસ્ત સાથે અન્ય કોઇ દરખાસ્ત સાથે બેઠક યોજવા માગે છે તેની અમારી પાસે જાણકારી નથી.

ટેસ્લા ભારત સરકારનો સંપર્ક કરવા માગે છે તેવી મીડિયા રીપોર્ટ વચ્ચે આ ટીપ્પણીનું વિશેષ મહત્ત્વ છે. ટેસ્લાના સ્થાપક અને સીઇઓ એલોન મસ્કે ગયા વર્ષે જણાવ્યું હતું કે ભારત તેમની કારના વેચાણ અને સર્વિસિસની પરવાનગી નહીં આપે ત્યાં સુધી તેઓ પ્લાન્ટ નાંખશે નહીં.

આ અગાઉ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો ટેસ્લા ભારતમાં તેના ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા તૈયાર હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ કંપનીએ ચીનમાંથી કાર આયાત કરવી જોઈએ નહીં.

ઓગસ્ટ 2021માં, મસ્કે જણાવ્યું હતું કે અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી શકે છે જો તે દેશમાં આયાતી વાહનો સાથે પ્રથમ સફળ થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં તેના વ્હિકલ લોન્ચ કરવા માગે છે, પરંતુ ભારતમાં આયાત જકાત કોઇપણ મોટા દેશમાં હોય તેના કરતાં ઘણી વધુ છે. ભારતમાં હાલમાં ફૂલી ઇમ્પોર્ટેડ કારો પર 100 ટકા આયાત જકાત છે.

LEAVE A REPLY