ટેસ્લાના વડા એલન મસ્કે ટ્વીટર પર આપેલા વચનનું પાલન કરી બતાવ્યું છે. તેમણે આ જાણીતી ઇલેક્ટ્રિક કાર કંપનીના આશરે 9 લાખ શેરનું વેચાણ કર્યું હતું. મસ્કે આશરે 1.1 બિલિયન ડોલરના શેર વેચ્યા હતા. તેઓ આ રકમ મારફત સ્ટોક ઓપ્શન્સના ટેક્સની ચુકવણી કરશે. બુધવારે અલગ-અલગ બે નિયમનકારી માહિતીમાં આ વેચાણની માહિતી આપવામાં આવી હતી.
ટેસ્લાએ સપ્ટેમ્બરમાં મસ્કને સ્ટોક ઓપ્શન આપ્યા હતા, જેને પર ટેક્સની જવાબદારી હતી. મસ્કને સ્ટોક ઓપ્શનન હેઠળ 6.24 ડોલરના ભાવે શેર મળ્યા હતા. આ 21 લાખ શેરનું તેમણે બજારમાં વેચાણ કર્યું હતું. કંપનીના શેરનો ભાવ બુધવારે શેરદીઠ 1,067.95 ડોલરે બંધ આવ્યો હતો. 14 સપ્ટેમ્બરે અપનાવવામાં આવેલા ટ્રેડિંગ પ્લાનના ભાગે શેર વેચાણનું ઓટોમેટિક ટ્રાન્ઝેક્શન થયું હતું.
આ ટ્રાન્ઝેક્શન પછી પણ મસ્ક પાસે ટેસ્લાના આશરે 17 કરોડ શેર છે. ડેટા પ્રોવાઇડર કંપની ફેક્ટસેટના જણાવ્યા અનુસાર મસ્ક જૂન મહિનાના અંતે ટેસ્લાના સૌથી મોટા શેરહોલ્ડર હતા અને કંપનીમાં 17 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવતા હતા. ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા અનુસાર મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 282 અબજ ડોલર છે. આમાંથી મોટાભાગની સંપત્તિ ટેસ્લાના શેરના સ્વરૂપમાં છે.
એક અંદાજ મુજબ આ સ્ટોક ઓપ્શન્સને કારણે મસ્કે 10 અબજ ડોલરનો ટેક્સ ભરવો પડશે. અલન મસ્કે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું કમાણીને અંકે ન કરીને ટેક્સ ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અંગે તાજેતરમાં ઘણી ટીકાઓ થઈ રહી છે, તેથી હું ટેસ્લાના 10 ટકા શેર વેચવાની દરખાસ્ત કરું છે, શું તમે તેને સમર્થન આપો છે? મસ્ક આ રીતે ટ્વીટર પર એક અનોખો પોલ ચાલુ કર્યો હતો. મસ્કે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ આ ટ્વીટર પોલનું જે તારણ આવે તેનું પાલન કરશે. ટ્વીટર પોલમાં 58 ટકા લોકોએ શેર વેચવાની તરફેણ કરી હતી. ટ્વીટર પોલમાં આશરે 35 લાખ લોકોએ મત આપ્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે ટેસ્લા મને કેશ સેલરી આપતી નથી મારી પાસે માત્ર શેર છે, તેથી ટેક્સ ચુકવવાનો મારી પાસેનો એકમાત્ર વિકલ્પ શેર વેચવાનો છે.