બિલિયોનેર એલન મસ્કની ટેસ્લા ઇન્ક ભારતના કર્ણાટકમાં ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે પ્લાન્ટ નાંખવા માટે સજ્જ બની છે. કર્ણાટક સરકારે રવિવારે ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની કંપની ટેસ્લા કર્ણાટકમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે.
ગયા મહિને આ ઇલેક્ટ્રિક કાર કંપનીએ ટેસ્લા મોટર્સ ઇન્ડિયા અને એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું કર્ણાટકના બેંગલુરુમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બેંગલુરુ વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓનું હબ ગણાય છે.
તે સમયે રાજ્યના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટેસ્લા બેંગલુરુમાં આર એન્ડ ડી યુનિટ સાથે ભારતમાં ઉત્પાદન કામગીરી ચાલુ કરશે. મુખ્યપ્રધાને પછીથી આ ટ્વીટને ડિલિટ કરી નાંખ્યું હતું.
મસ્કે ઘણીવારમાં ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગે ટ્વીટ કરેલા છે. ડિસેમ્બરમાં ટેસ્લાના સીઇઓએ પુષ્ટી આપી હતી કે ભારતમાં 2021માં ટેસ્લા લોન્ચ કરવામાં આવશે.