ઑનલાઇન ગ્રોસરી વેપાર અને ઘરે કરાતી ડિલિવરીમાં આવેલા ઉછાળાને પગલે ટેસ્કો કોવિડ કટોકટી વખતે લીધેલા 16,000 કર્મચારીઓને કાયમી કરનાર છે. જેમાં હાલ ટેસ્કોમાં કામ કરતા 10,000 જેટલા ગ્રોસરી ઓર્ડરની પસંદગી કરતા પીકર્સ અને 3,000 ડ્રાઇવરોનો સમાવેશ થાય છે.
ટેસ્કોનું આ પગલું ઇલેક્ટ્રિકલ ગુડ્ઝ નિષ્ણાત એઓ.કોમ, ડીઆઈવાય ચેઇન કિંગફિશર અને ડિલિવરી કંપનીઓ ડીપીડી અને હર્મેસે હજારો કામદારોને હોમ ડિલિવરી કરવા માટે રીક્રુટ કર્યા બાદ લેવામાં આવ્યું છે. બીજી તરફ માર્કસ અને સ્પેન્સર, જ્હોન લુઇસ અને બૂટ્સ પોતાના હાઇ સ્ટ્રીટ અને ઑનલાઇન સ્ટોર્સ બંધ કરી નોકરીઓમાં કપાત કરી રહ્યા છે.
સ્ટાફ આઇસોલેટ થતા અને અન્ય કારણોસર ટેસ્કોએ રોગચાળાની શરૂઆતમાં 40,000 કર્મચારીઓની નિમણૂક કરી હતી. ટેસ્કોના ઓનલાઇન ગ્રોસરી વેચાણમાં 16%ની વૃધ્ધી થઇ હતી. જે વર્ષની શરૂઆતમાં લગભગ 9% હતી. સુપરમાર્કેટ આ વર્ષે £5.5 બિલીયનના ઑનલાઇન વેચાણની અપેક્ષા રાખે છે, જે ગયા વર્ષે £3.3 બિલીયન હતું.