જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે હિન્દુ પર વધુ એક ટાર્ગેટ એટેક થયો છે. શોપિયા જિલ્લામાં સફરજનની વાડીમાં મંગળવારે ત્રાસવાદીએ ગોળીબાર કરીને એક કાશ્મીરી પંડિતની હત્યા કરી હતી અને તેમના ભાઇને ઇજાગ્રસ્ત કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ટાર્ગેટ કિલિંગનો ભોગ બનનારા આ બંને કાશ્મીરી હિંદુ છે. તાજેતરના ભૂતકાળમાં કાશ્મીરી હિંદુઓને ટાર્ગેટ બનાવીને હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.
પોલીસ અધિકારીએ મૃતકની ઓળખ સુનિલ કુમાર અને ઇજાગ્રસ્તની ઓળખ સુનિલ કુમાર તરીકે કરી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્રાસવાદીઓએ શોપિયાના છોટીપોરા વિસ્તારમાં સફરજનની વાડીમાં સામાન્ય લોકો પર ફાયરિંગ કર્યું હતું. એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજાને ઇજા થઈ હતી. બંને લઘુમતી સમુદાયના છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વિસ્તારોને કોર્ડન કરવામાં આવ્યો હતો.
તાજેતરના સમયગાળામાં ત્રાસવાદીઓએ કાશ્મીર ખીણમાં હુમલામાં વધારો કર્યો છે. આ વર્ષે ટાર્ગેટ એટેકમાં કુલ 15 નાગરિકો અને છ સુરક્ષા જવાનાના મોત થયા છે. રવિવારે નોહાટ્ટામાં એક પોલીસને હત્યા કરવામાં આવી હતી. ગયા સપ્તાહે બંદીપોરામાં બિહારના એક માઇગ્રેન્ટ મજૂરની હત્યા કરી હતી. આ બિહારી મજૂરનું નામ મોહંમદ અમરેઝ હતું. આ વર્ષે ટાર્ગેટ એટેકમાં આ ચોથા પરપ્રાંતિય મજૂરની હત્યા હતી.
સોમવારે બડગામ અને શ્રીનગર જિલ્લામાં બે ગ્રેનેડ હુમલા પણ થઈ હતી. રાજ્યના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને રાજકીય પક્ષોના નેતાઓએ શોપિયા જિલ્લામાં થયેલી કાશ્મીરી પંડિતની હત્યાની આકરી ટીકા કરી હતી. મનોરજ સિંહાએ જણાવ્યું હતું કે શોપિયામાં નાગરિકો પર નિંદનીય આતંકી હુમલાથી ખૂબ દુઃખ થયું છે. સુનિલ કુમારના પરિવાર સાથે મારી સંવેદના. ઇજાગ્રસ્ત ઝડપથી રિકવર થાય તેવી પ્રાર્થના. આ નિર્મમ હત્યા માટે ત્રાસવાદીઓ જવાબદાર છે અને કોઇને પણ છોડવામાં આવશે નહીં.
દરમિયાન ત્રાસવાદીઓના હુમલામાં વધારાને પગલે કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (કેપીએસએસ)એ સમુદાયના લોકોને કાશ્મીર ખીણમાંથી નીકળી જવાનો અનુરોધ કરવામાં આવે છે.