ચીન અને તાઇવાન વચ્ચે મંગળવારે ફરી તંગદિલીમાં વધારો થયો થયો હતો. તાઇવાનની આર્મીએ મંગળવારે ચીનના ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. આર્મી પ્રવક્તાએ તેને વોર્નિંગ શોટ્સ ગણાવ્યા હતા. આવું પ્રથમ વખત બન્યું છે તાઇવાનની આર્મીએ આટલું આક્રમક પગલું ઉઠાવ્યું હોય.
આર્મી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ડ્રોન તાઇવાનના નિયંત્રણ હેઠળના એક ટાપુ પર ચીનની સરહદ નજીક ઉડી રહ્યું હતું. તાઇવાનની આર્મીના ફાયરિંગ પછી ડ્રોન ચીનની સરહદમાં પાછું જતું રહ્યું હતું.
પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)નું આ ડ્રોન તાઇવાઇના અંકુશ હેઠળના કિનમૈન ટાપુ તરફ આગળ વધી રહ્યું હતું. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે આ બાબતની પુષ્ટી કરી હતી. કિનમૈન ટાપુ તાઇવાન માટે ખૂબ અગત્યનો છે. આ ટાપુનું એક વ્યૂહાત્મક મહત્ત્વ છે અને તાઇવાન હંમેશા તેની સુરક્ષા માટે સજાગ કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા બાદ તાઇવાન અને ચીન વચ્ચેની સ્થિતિ તનાવપૂર્ણ બની છે. પેલોસીની મુલાકાત દરમિયાન ચીને તેના યુદ્ધવિમાનો તાઇવાનના આકાશમાં ઉડાડ્યા હતા. ચીન આ મુદ્દે અમેરિકાને પણ ધમકીઓ આપી રહ્યું છે. નેન્સી પેલોસીની મુલાકાત પછી અમેરિકાના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ તાઇવાનની મુલાકાત ગયું હતું. આ પછી ચીનનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. ચીનને લશ્કરીય કવાયત પણ હાથ ધરી હતી અને તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમેરિકા તાઇવાનને સમર્થન આપી રહ્યું છે.
—