ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસે ગુરુવારે વૈશ્વિક ટેનિસ સ્ટાર રાફેલ નડાલ સાથે ત્રણ વર્ષની ભાગીદારીની જાહેરાત કરી હતી. નડાલ ભારતીય આઈટી કંપનીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે. જોકે આ ડીલની નાણાકીય વિગતો જાહેર કરવામાં આવી ન હતી.
આ અંગે નડાલે જણાવ્યું હતું કે “હું ઈન્ફોસિસ સાથે નજીકથી કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે તેઓ માત્ર ટેનિસના અનુભવને સમયની સાથે વિકસિત કરતાં નથી, પરંતુ પરંતુ અમારા સમુદાયના લોકોને ઉજ્જવળ ભવિષ્યનો ભાગ બનવા માટે પણ કામ કરે છે. ઈન્ફોસિસે ડિજિટલ નિપુણતાને ગ્લોબલ ટેનિસ ઈકોસિસ્ટમ સુધી પહોંચાડી છે તે મને ગમે છે.”
ઇન્ફોસિસે સ્ટોક એક્સચેન્જને આપેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ બાબતોનો ખુલાસો કર્યો હતો. ઈન્ફોસિસની રાફેલ નડાલ સાથે 3 વર્ષની ડીલ થશે. છેલ્લા એક દાયકાથી રોજર ફેડરર સાથે નાફેલ નડાલ ટેનિસ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. સ્પેનના 37 વર્ષીય રાફેલ નડાલે 14 ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત 22 ગ્રાન્ડ સ્લેબ ટૂર્નામેન્ટ જીતી છે.
ઈન્ફોસીસના સીઈઓ અને એમડી સલિલ પારીખે જણાવ્યું કે, “વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયન એથ્લેટ અને વ્યક્તિ રાફેલ નડાલનું કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરવું અમારા માટે ગર્વની વાત છે.”