કોરોનાવાયરસ રોગચાળા પછી લાદવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ સમગ્ર ઇંગ્લેન્ડમાં આવેલા ધાર્મિક સ્થળોને વ્યક્તિગત પ્રાર્થના માટે ફરીથી ખોલવાની સોમવાર તા. 15 જૂનથી મંજૂરી આપવામાં આવશે એમ કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે રવિવાર ત. 7 જૂનના રોજ જાહેરાત કરી હતી.
પ્લેસીસ ઓફ વરશીપ ટાસ્કફોર્સનું અધ્યક્ષસ્થાન સંભાળતા કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીક અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવમાં આવ્યો હતો. ધાર્મિક સ્થળે પ્રાર્થના કરવાથી આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ થાય છે. વળી તે જ પ્રાર્થના ઘણી વખત તેઓ ઘરે કરી શકતા નથી.
પૂજા સ્થળોનો મર્યાદિત સલામત શુભારંભ થઇ શકે અને સામાજિક અંતરની માર્ગદર્શિકાને અનુરૂપ થઈ શકે તે માટે નવું ગાઇડન્સ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે. લોકો દ્વારા વાપરવામાં આવતી જગ્યાઓની સંપૂર્ણ સફાઇ, પ્રવેશતી અને બહાર નીકળતી વખતે હાથ સાફ કરવા અને પોતાના આસન તેમજ ધાર્મિક પુસ્તકો લાવવા કહેવામાં આવશે.
15 જૂનથી વ્યક્તિગત પ્રાર્થનાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ તબક્કે સમુહમાં થતી પ્રાર્થના, પૂજા અથવા ભક્તિ જેવી સેવાઓ, અનૌપચારિક પ્રાર્થના સભાઓ, જુમ્મા અથવા કીર્તન શક્ય થશે નહિ. વૈજ્ઞાનિકોની સલાહ પછી સરકાર પૂજાસ્થળોને સંપૂર્ણપણે ખોલવા માટે ટાસ્કફોર્સ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે કહ્યું હતું કે “પૂજા સ્થળો ફરી ખુલી શકે છે તેની ખાતરી કરવા વ્યક્તિગત પ્રાર્થનાથી તેનો પ્રારંભ કરવો એ મારી પ્રાથમિકતા છે. મને આનંદ છે કે હવે તેની શરૂઆત 15 જૂનથી થશે. કોમ્યુનિટી સેક્રેટરી તરીકે મેં ફેઇથ લીડર્સ અને પ્રતિનિધિઓ સાથે માર્ગદર્શન તૈયાર કરવા માટે કામ કર્યું છે. તમામ ધર્મોના લોકોએ પરંપરાગત રીતે મિત્રો અને કુટુંબ સાથે ઇસ્ટર, પાસઓવર, રમઝાન અથવા વૈશાખીને માર્ક કરવામાં અસમર્થ ધૈર્ય અને સહનશીલતા દર્શાવી છે. જેમ જેમ આપણે વાયરસને અંકુશમાં રાખીએ છીએ, તેમ તેમ હવે અમે પૂજાગૃહોમાં મર્યાદિત, પરંતુ મહત્વપૂર્ણરીતે પાછા ફરવા સક્ષમ છીએ.”
ફેઇથ મિનીસ્ટર લોર્ડ ગ્રીનહાલે કહ્યું હતું કે “સરકારે નક્કી કર્યું છે કે વ્યક્તિગત પ્રાર્થના માટે પૂજા સ્થાનો ફરી શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. હું આગામી અઠવાડિયામાં સલામતીના પ્રશ્નોને કેવી રીતે નિવારવા તે માટે ટાસ્કફોર્સ સાથે ચર્ચા કરવા માટે રાહ જોઉં છું. તેમને ધાર્મિક સ્થળો ખોલવાનું સલામત લાગે ત્યારે તેઓ ખોલી શકે છે કે ધીમી ગતિએ ફરીથી ખોલવાનું નક્કી કરી શકે છે.’’
અસ્તિત્વમાં છે તેવા નિયમો હેઠળ, સલામત રીતે કરવું શક્ય હોય ત્યાં પૂજાસ્થળમાં અંતિમવિધી કરવાની મંજૂરી છે. અન્ય મેળાવડા અને સેવાઓ જેમ કે બાપ્ટીઝમ, લગ્ન, સપ્લીમેન્ટરી શાળાઓ, સભાઓ અને વર્ગોની મંજૂરી નથી. અર્લી યર્સ, ચારઇલ્ડ કેર, રક્તદાન, હોમલેસ લોકોને સેવાઓ, પ્રસારણ માટે ધાર્મિક સંદેશો રેકોર્ડ કરવા માટે ધર્મસ્થાનો ખોલી શકાશે. પણ પ્રવાસીઓ માટે તે બંધ રાખવા પડશે.