ત્રણ દિવસની કોલ્ડ વેવને પગલે ગુજરાતમાં સોમવારે સિઝનનું સૌથી ઓછું ઉષ્ણતામાન નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સવારે ગાંધીનગરમાં પડી હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ન્યૂનતમ ઉષ્ણતામાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને ગાંધીનગરમાં તો 6.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં ઉષ્ણતામાન ઘટીને હજું પણ 5 ડિગ્રી થઈ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાત અને મુંબઈમાં ઉષ્ણતામાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઘટી ગયું હતું. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરી એક વખત કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કોલ્ડ વેવ (શીત લહેર)ની આગાહી કરવામાં આવી હતી અને અને લોકોને તકેદારી રાખવા માટે સલાહ આપવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉભા થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઠંડીનો ચમકારો વધવાના કારણે શરદી અને ખાંસીના કેસોમાં વધારો થયો હતો.