કોરોનાની કાળમુખી મહામારી બાદ લોકોમાં દાનધર્મનો મહિમા વધ્યો હોય તેમ છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરોની દાનપેટીઓ ફરી છલકાઈ રહી છે. સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર હોય કે દ્વારકાધિશનું મંદિર તેમજ અંબાજીનું મંદિર હોય કે ડાકોરમાં આવેલું રણછોડરાયનું મંદિર દરેક જગ્યાએ દાન ધર્માદાની આવક ફરી એકવાર કોરોના આવ્યો તે પહેલાના સ્તરે પહોંચી ગઈ છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ ઓફિસર શિવજીભાઈ પ્રજાપતિએ કહ્યું કે, ‘હાલના સમયમાં સરેરાશ સાપ્તાહિક દાનની આવક રુ. 40 લાખ પહોંચી ગઈ છે જે કોરોના પહેલા રુ.30 લાખ આસપાસ રહેતી હતી.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘માસિક સરેરાશ આવક પણ રુ 2 કરોડને આંબી રહી છે જે કોરોના પહેલા દોઢ કરોડ રુપિયા આસપાસ રહેતી હતી. ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટર એસ જે ચાવડાએ કહ્યું કે મંદિરમાં દરરોજ 12,000 શ્રદ્ધાળું ભગવાનના દર્શન કરે છે.
છેલ્લા કેટલાક મહિનામાં સોમનાથ મંદિરમાં સરેરાશ માસિક દાનમાં પણ વધારો થયો છે અને રુ. 2.5 કરોડને પહોંચી ગયું છે. લોકડાઉન પહેલાં મહિનામાં આશરે રૂ.5 કરોડ દાન આવતું હતું. સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “હવે, દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અમે દરરોજ લગભગ 7,000-8,000 ભક્તો જોઈ રહ્યા છીએ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીમાં 2 લાખથી વધુ લોકો પવિત્ર મંદિરની મુલાકાત લેતા હતા. તેમ ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે “જૂનમાં મંદિરને શ્રદ્ધાળુઓ તરફથી દાન પેટે આશરે 6.7 લાખ રુપિયા મળ્યા હતા, જ્યારે જુલાઈમાં અત્યાર સુધીમાં ભક્તો તરફથી રુ. 6.23 લાખ મળ્યા છે. જોકે હવે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે.