ભારતના હૈદરાબાદની 27 વર્ષની તેજસ્વિની કોન્થમની હત્યા માટે જવાબદાર નીલ્ડ ક્રેસન્ટ, વેમ્બલીના કેવેન એન્ટોનિયો લોરેન્કો ડી મોરાઈસ નામના 24 વર્ષીય યુવાનને 30 મેના રોજ આઇલવર્થ ક્રાઉન કોર્ટે માનસિક આરોગ્ય અધિનિયમ 1983ની કલમ 37 અને કલમ 41 હેઠળ હોસ્પિટલ ઓર્ડર અને પ્રતિબંધની સજા ફટકારી હતી.
કેવેને 22 એપ્રિલના રોજ કોર્ટમાં માનવવધ માટે દોષીત હોવાનું અને બીજી યુવતીની હત્યાના પ્રયાસનો ગુનો કબૂલ્યો હતો. તેની અરજી કોર્ટે સ્વીકારી હતી.
નીલ્ડ ક્રેસન્ટ, વેમ્બલી ખાતે ગત વર્ષે 13 જૂનના રોજ સવારે 9:59 કલાકે તેજસ્વિની છરીની ઇજાઓ સાથે મળી આવતા પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી. જ્યાં ઇમરજન્સી સેવાઓના પ્રયત્નો છતાં, તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. જ્યારે બીજી મહિલાને છરાની ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવાઇ હતી.
ધરપકડ કરાયેલા અન્ય બે લોકોને આગળ કોઈ કાર્યવાહી કર્યા વિના છોડી દેવાયા હતા.