Tejaswini Kontham

હૈદરાબાદની વતની અને લંડનમાં વેમ્બલીમાં રહીને છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરતી 27 વર્ષની વિદ્યાર્થિની તેજસ્વિની કોંથમની હત્યા અને અન્ય ભારતીય મહિલાની હત્યાના પ્રયાસ બદલ નીલ્ડ ક્રેસન્ટ, વેમ્બલીના 23 વર્ષીય કેવેન એન્ટોનિયો લોરેન્કો ડી મોરાઈસ નામના 23 વર્ષીય યુવાન પર તા. 15ના રોજ હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે ‘’અગાઉ બ્રાઝિલના નાગરિક તરીકે ઓળખવામાં આવેલ કેવેન એન્ટોનિયો લોરેન્કો ડી મોરાઈસને લંડનમાં અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા બાદ તેને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ આપવામાં આવ્યો છે. ગુનાના સ્થળેથી હત્યાની તપાસ માટે ધરપકડ કરાયેલા એક પુરુષ અને એક મહિલાને આગળની કાર્યવાહી વિના છોડી દેવાયા હતા.

મેટ પોલીસને મંગળવારે તા. 13ના રોજ લંડન એમ્બ્યુલન્સ સર્વિસ સાથે નીલ્ડ ક્રેસન્ટ, વેમ્બલી ખાતેના એક ફ્લેટ પર બોલાવાતા તેજસ્વિની અને 28 વર્ષની અન્ય મહિલા છરીની ઇજાઓ સાથે મળી આવ્યા હતા. ઇમરજન્સી સેવાઓના પ્રયાસો છતાં, તેજસ્વિનીનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. તેના પરિવારને જાણ કરવામાં આવી છે.”

પોલીસે હત્યાના મુખ્ય આરોપી ડી મોરૈસની શોધખોળ હાથ ધરી તેની નોર્થ હેરો વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી. હુમલાનો બીજો ભોગ બનેલી મહિલાનું નામ અખિલા હોવાનું જણાયું છે. જે પોતે પણ ભારતની છે. તેની હાલત જોખમથી બહાર હોવાનું કહેવાય છે.

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ એસોસિએશન (INSA) UK એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેજસ્વિની કોન્થમ રેડ્ડી તાજેતરમાં સાઉથ લંડનની ગ્રીનીચ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને પોસ્ટ સ્ટડી વર્ક વિઝ અરજી કરી હતી. નોર્થ લંડનમાં નોકરી મેળવ્યા બાદ તે તાજેતરમાં વેમ્બલીના ફ્લેટમાં રહેવા ગઈ હતી.’’

તેજસ્વિનીના પિતાએ બુધવારે ભારતની એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે ‘’તે ત્રણ વર્ષ પહેલા લંડન ગઈ હતી અને ત્યાં તેણે એમએસનો કોર્સ પૂરો કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તે હૈદરાબાદ આવી હતી અને બીજા મહિને લંડન પરત આવી હતી. તેણી આ વર્ષે મેમાં ભારત પરત થનાર હતી. અમે તેના લગ્ન કરાવવાનું આયોજન કરતા હતા. તેણે કામચલાઉ નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે તે વધુ એક મહિના સુધી કામ કર્યા પછી પાછી આવશે.”

તેના કાકાએ સરકારને વિનંતી કરી કે તેના મૃતદેહને યુકેથી હૈદરાબાદ લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. લંડનમાં ભારતીય હાઈ કમિશને હજુ સુધી ભારતીય નાગરિકના હુમલા અને મૃત્યુના સંદર્ભમાં નિવેદન બહાર પાડ્યું નથી.

તેનું પીએમ બુધવાર, 14 જૂનના રોજ નોર્થવિક પાર્ક મોર્ચ્યુઅરીમાં યોજાયું હતું જેના પોસ્ટમોર્ટમ રીપોર્ટના તારણોની રાહ જોવાઈ રહી છે..

મેટ પોલીસે વધુ માહિતી આપવા અપીલ કરી હતી.

LEAVE A REPLY