ગુજરાતના રમખાણોના કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડને સુપ્રીમ કોર્ટે શુક્રવારે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આ અંગે અંતે ચુકાદો ગુજરાત હાઈકોર્ટે કરવાનો રહેશે, પરંતુ સેતલવાડને શનિવાર સુધીમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
તીસ્તાની 25 જૂને ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જતા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપીએ છીએ, કારણ કે મહિલા બે મહિનાથી જેલમાં છે. બીજું, તપાસ એજન્સીએ સાત દિવસ સુધી પૂછપરછ કરી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે, તેથી અરજદારને રાહત મળવી જોઈએ.
ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે શું સાક્ષીઓને તીસ્તા સેતલવાડ દ્વારા ક્યારેય હેરાન કરવામાં આવ્યા હતા અથવા તેમના તરફથી કોઈ દબાણ હતું.? તેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, આવી કોઈ ફરિયાદ નથી.
કોર્ટે એ પણ પૂછ્યું કે શું તે મહિલાની પૂછપરછમાં કંઈ મળ્યું છે ? કેટલા દિવસ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી? આ અંગે એસજીએ જણાવ્યું હતું કે 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
તીસ્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 2002માં બનેલી ઘટનાનો આજે 2022માં આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું તમારા પર પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ આરોપ છે. જેના પર સિબ્બલે કહ્યું, બિલકુલ નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ હજી પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે તેથી અંતિમ નિર્ણય હાઈકોર્ટે લેવાનો રહેશે. અમારા મતે જામીન આપીને અરજદારને જેલમુક્ત કરવા જોઈએ, પરંતુ હાઈકોર્ટ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાય બંધાયેલ છે. અમારા માત્ર સૂચનો છે જે હાઈકોર્ટને બાધ્ય નથી.