તિસ્તા સેતલવાડ અને બીજા બે વ્યક્તિની ધરપકડની ટીકા કરતા યુએન માનવાધિકાર એજન્સીના નિવેદનને બુધવારે ભારતના વિદેશ મંત્રાલયે બિનજરૂરી લેખાવ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી કે આ નિવેદન ભારતની સ્વતંત્ર ન્યાયિક પ્રણાલીમાં દખલખીરી સમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ અને બીજા બીજા આઇપીએસ અધિકારીઓના તાજેતરમાં ધરપકડ કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય ઓથોરિટીએ સ્થાપિત ન્યાયિક નિયમો હેઠળ કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તીસ્તા સેતલવાડની સામે કાર્યવાહીને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર માટે ઉચ્ચ કમિશનરના કાર્યાલય (OHCHR)ની ટિપ્પણી પર બાગચીએ કહ્યું કે, OHCHRની સેતલવાડ મામલે ટિપ્પણી તદ્દન અયોગ્ય છે અને ભારતની સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થામાં દખલ કરે છે.
બાગચીએ કહ્યું કે, ભારત ન્યાયિક પ્રક્રિયાઓ પ્રમાણે કાયદાના ઉલ્લંઘન સામે કડકાઈથી કામ કરે છે. સક્રિયતા ખાતર આવી કાનૂની ક્રિયાઓને પજવણી તરીકે લેબલ કરવું ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આવી કાયદાકીય કાર્યવાહીને ઉત્પીડન ગણાવવી ભ્રામક અને અસ્વીકાર્ય છે. OHCHRએ સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરતા તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતી.