અમદાવાદની સ્થાનિક કોર્ટે સોમવારે પાણી પીવા અને વારંવાર શૌચાલય જવાની પરવાનગી માંગવા બદલ પાંચ વર્ષના વિદ્યાર્થીને માર મારવા બદલ બે શિક્ષિકાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેમને દોષિત ઠેરવ્યા પછી મિર્ઝાપુર કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ટી એ ભાડજાએ તરુણા પરબતિયા (36) અને નજમા શેખ (47)ના જામીન રદ કર્યા હતા. આ બંને શિક્ષિકા મકરબાની અર્જુન પ્રાથમિક શાળામાં ભણાવતા હતા.
આરોપી શિક્ષિકા સામેની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં 22 જૂન, 2017 ના રોજ દાખલ કરવામાં આવી હતી, જેમાં માસુમ વિદ્યાર્થીને ત્રણ દિવસ સુધી માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાળકે તેની માતાને જણાવ્યું હતું કે શિક્ષિકાએ તેના પગ પકડી રાખ્યા હતા, તેને માર માર્યો હતો અને તેને ચુટલા ભર્યા હતા. તેણે તેની માતાને પોતાની જાંઘ પરના ઉઝરડા પણ બતાવ્યા હતા. જે બાદ બાળકને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.