આસામના ગોલઘાટ જિલ્લાની ઓર્ગેનિક ચાની દુર્લભ વેરાયટી ગણાતી પભોજન ગોલ્ડ ટી કિગ્રાદીઠ રૂ.1 લાખના રેકોર્ડ ભાવે વેચાઈ હતી. ચાલુ વર્ષે ચાની કોઇપણ વેરાઇટીનો આ સર્વોચ્ચ ભાવ છે. જોરહાટના ઓક્શન સેન્ટરમાં આ ગોલ્ડ ટીને આટલા ઊંચા ભાવ મળ્યા હતા.
જોરહાટ ટી ઓક્શન સેન્ટરના અધિકારીએ જણાવ્યું હતું કે પભોજન ઓર્ગેનિક ટી એસ્ટેટ દ્વારા વેચવામાં આવેલી આ ચા આસામ ખાતેની ટી બ્રાન્ડ એસા ટીએ ખરીદી હતી. પભોજન ગોલ્ડ ટી બ્રાઇટ યલો ચા સાથે અનોખો સ્વાદ ઓફર કરે છે. ચાના બગીચામાં સૌથી વધુ પસંદગીના છોડમાંથી તેનો પાક લેવામાં આવે છે. તેના પત્તી ગોલ્ડન બની જાય છે અને વિશેષ ખુશબૂ ઓફર કરે છે.
એસા ટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિજિત શર્માએ જણાવ્યું હતું કે આ ટી વેરાઇટીથી તેમને આસામની શ્રેષ્ઠ ચા ઓફર કરવામાં મદદ મળશે. ચાની આ વેરાયટી દુર્લભ છે અને તે ચા વિશેષજ્ઞો માટે છે. તે ચાના કપનો અનોખો સ્વાદ ઓફર કરે છે. અમારા ગ્રાહકો વિશ્વભરમાં ફેલાયેલા છે અને તેઓ આ વેરાયટીના સ્વાદ અને મૂલ્યને પારખશે. અમને આસામની ચાનો વિશ્વસનીય સ્વાદ ગ્રાહકોને પૂરો પાડવાના મિશનને આગળ ધપાવવામાં મદદ મળશે.
પભોજન ઓર્ગેનિક ટી એસ્ટેટના માલિક રાખી સાઇકિયાએ જણાવ્યું હતું કે અમે માત્ર એક કિગ્રા ચાની આ અજોડ વેરાયટીનું ઉત્પાદન કર્યું હતું અને આ રેકોર્ડ બ્રેકિંગ ભાવથી ઘણો જ આનંદ થયો છે. આ ભાવથી નવો ઇતિહાસ રચાયો છે. આ પ્રકારની પ્રીમિયમ ક્વોલિટી સ્પેશ્યાલિટી ટી માટે સમજદાર ગ્રાહકો, ચા નિષ્ણાતો અને ખરીદદારોની ઊંચી માગને કારણે પ્રથમ વખત આ વેરાઇટીનું ચાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.