ભારતની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને ગુરુવારે અચાનક તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ છેલ્લા 22 વર્ષથી ટીસીએસ સાથે જોડાયેલા હતા અને તેમના વડપણ હેઠળ કંપનીનો દેખાવ મજબૂત રહ્યો હતો. તેમના કાર્યકાળમાં કંપનીના શેરમાં 160 ટકાની અસાધારણ તેજી આવી હતી.
ટીસીએસ બોર્ડે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો બોર્ડે તેમના સ્થાને કે ક્રિતિવાસનની નવા સીઈઓ તરીકે 16 માર્ચથી નિમણૂક કરી છે. ક્રિતિવાસન હાલમાં ટીસીએસમાં બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઈન્સ્યોરન્સ (BFSI) બિઝનેસ ગ્રુપના પ્રમુખ અને ગ્લોબલ હેડ છે. ક્રિતિવાસન 34 વર્ષથી ગ્લોબલ ટેક્નોલોજી સેક્ટરનો ભાગ રહ્યા છે અને તેઓ 1989થી ટીસીએસ સાથે જોડાયા છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટીસીએસ સાથે 22થી વધુ વર્ષ સુધી કામ કર્યા બાદ ગોપાનાથે રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા છ વર્ષથી તેઓ સફળતાપૂર્વક કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રહ્યા છે.
52 વર્ષીય ગોપીનાથન 2017માં ટીસીએસના સીઈઓ બન્યા હતા. તે પહેલા ચંદ્રશેખરન આ પદ પર હતા. તેમને ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ટીસીએસ દેશની અગ્રણી આઈટી કંપનીઓમાં સામેલ છે.