કોવિડ-19ને કારણે ટ્યૂબરક્યૂલોસિસ (ટીબી)ના દર્દીઓની ઓળખ અને સારવારમાં મુશ્કેલી થઈ રહી છે. તેના કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આ બીમારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા આ વર્ષે ઝડપથી વધી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) જાહેર કરેલા ગ્લોબલ ટીબી રીપોર્ટ 2020માં જણાવ્યું છે કે, કોવિડ-19 અને લોકડાઉનને કારણે વિશ્વભરના દેશોમાં ટીબીના દર્દીઓની ઓળખમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.
ટીબીના સૌથી વધુ દર્દીઓ ધરાવતા ભારત, ઇન્ડોનેશનિયા અને ફિલિપાઇન્સમાં આ વર્ષે પ્રથમ છ મહિનામાં નવા દર્દીઓની સંખ્યામાં 25થી 30 ટકા ઘટાડો નોંધાયો છે. આ ઓળખ ઓછી થવાને કારણે આ વર્ષે ટીબીથી થનારા મૃત્યુમાં વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, દર્દીઓની ઓળખ થયા પછી તેની સારવાર શરૂ થવાથી આ બીમારીથી બચી શકાય છે. અનિયમિત સારવારને કારણે ટીબીથી મૃત્યુનું જોખમ ઘણું વધારે હોય છે. વિશ્વના 25 ટકાથી વધુ ટીબીના દર્દી ભારતમાં છે.
ભારતે 2025 સુધીમાં ટીબીનો સંપૂર્ણ અંત લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારતમાં જાન્યુઆરીમાં ટીબીના જેટલા દર્દીઓ હતા તેની સરખામણીએ જૂનમાં 25 ટકા દર્દીઓ જ ઓળખી શકાયા હતા. એપ્રિલમાં આ આંકડો 40 ટકાની આસપાસ નોંધાયો હતો. WHO નું અનુમાન છે કે, 2019માં દેશમાં 26.40 લાખ ટીબીના દર્દીઓ હતા, જે વિશ્વભરમાં ટીબીના દર્દીઓના 26 ટકા હતા, તેમાં 71 હજાર એચઆઇવીથી પણ ચેપગ્રસ્ત હતા. વિશ્વમાં ટીબીના કારણે 2019માં 14 લાખ લોકોના મૃત્યુ થયા હતા, તેમાં 31 ટકા કેસ ભારતના હતા. વિશ્વસ્તરે વર્ષ 2015થી 2019 દરમિયાન ટીબી નિવારણની દિશામાં ઘણી પ્રગતિ થઇ હતી. આ દરમિયાન નવા દર્દીઓની સંખ્યામાં નવ ટકા અને ટીબીના કારણે મૃત્યુની સંખ્યામાં 14 ટકા ઘટાડો નોંધાયો હતો.