અમેરિકાના ટેક્સાસમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે બુધવારે, 17 ફેબ્રુઆરીએ સતત ત્રીજા દિવસે સ્થિતિ ગંભીર બની હતી. કાતિલ ઠંડીને કારણે 24 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. લાખ્ખો લોકોએ વીજળી, પાણી જેવી પાયાની સુવિધા વગર ઠંડા ઘરોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. સપ્તાહના અંત સુધીમાં વીજળી ન આવવાની શક્યતા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની 100થી વધારે કાઉન્ટીમાં વીજળી અને પાણીના પુરવઠાને અસર થઈ હતી. વીજળી વગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થઈ ગયા હતા. લોકોને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી હતી અને 200થી વધારે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. હાલ તે વિસ્તારના વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોને બચાવવા માટે નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે બરફવર્ષાને કારણે ટેક્સાસ અને હ્યુસ્ટનમાં વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
ટેક્સાસમાં આશરે 12 મિલિયન લોકો પાસે પીવાનું મળતું ન હતું અથવા ઘણી ઓછી માત્ર સપ્લાય મળતો હતો. ટેક્સાસમાં આશરે 29 મિલિયન લોકોની વસતી છે. ટેક્સાસમાં 2.7 મિલિયન ઘરોમાં વીજળીની સુવિધા બંધ થઈ હતી. કાતિલ ઠંડી સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની આગાહી છે. નેચરલ ગેસના વેલ અને પાઇપલાઇન તથા વિન્ડ ટર્બાઇન થીજી ગયા હતા.
અમેરિકાની 10 મિલિયન કરતા પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઈ રહી છે. ટેક્સાસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીના ઉત્પાદનને મોટી અસર થઈ હતી. સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી હતી. ગેસ, તેલની પાઈપલાઈનો પણ જામી ગઈ હતી.. વેક્સિનના 8,000 કરતા પણ વધારે ડોઝ વીજળીનો પુરવઠો ન મળવાના કારણે બગડી ગયા હતા.
રાજ્યની હ્યુસ્ટન ખાતેની સૌથી મોટી હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમની પાસે પાણી નથી. ઠંડીને કારણે આશરે બે ડઝન લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા ઘણા લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા છે, પરંતુ તેમના મૃતદેહ હજુ મળ્યા નથી.
બુધવારની સાંજે અધિકારીઓએ ચેતવણી આપી હતી કે રાજ્યમાં આગામી 24 કલાકમાં બરફ વર્ષનો બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. હવામાન વિભાગે ટેક્સાસ, અરકંસાસ તથા મિસિસિપીમાં ફરીથી તોફાન આવશે તેવી ચેતવણી આપી હતી. બર્ફીલા તોફાનોના કારણે ઓહાયોથી લઈને રિયો ગ્રેંડે સુધીનું સંપૂર્ણ ક્ષેત્ર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. લિંકન અને નેબરાસ્કા શહેરનું તાપમાન માઈનસ 31 ડિગ્રીથી પણ નીચું જતું રહ્યું હતું.
ટેક્સાસ ઉપરાંત મેક્સિકોની સ્થિતિ પણ વણસેલી હતી. ઉત્તરી મેક્સિકોમાં બ્લેકઆઉટના કારણે એક જ દિવસમાં ફેક્ટરીઓને 2.7 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. બર્ફીલા તોફાનોના કારણે ઉદ્યોગ-ધંધાને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હતું.