ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ઘર ખરીદવા માંગતા લોકોને ‘ફર્સ્ટ હોમ્સ’ યોજના અંતર્ગત નવા બનાવાયેલા ઘરની કિમતમાં 50% સુધી ડિસ્કાઉન્ટ અપાશે. તે રકમ £100,000 કે તેથી વધુની હોઇ શકે છે. આ રીતે ખરીદવામાં આવેલી સંપત્તિ પણ મળેલું ડિસ્કાઉન્ટ તે વ્યક્તિ બીજા નવા ખરીદનારને એટલે કે ફર્સ્ટ ટાઇમ બાયરને વેચે તો તેને આપવાનું રહેશે. જેથી આ ઘરો હંમેશાં બજાર મૂલ્યની નીચે જ વેચાશે.
પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે આવા ઘરોની માંગ પુરવઠા કરતા વધી જવાના કારણે ઘરના ભાવમાં વધુ તેજી લાવી શકે છે. સરકારનું કહેવું છે કે આ યોજનાનો લાભ એનએચએસ સ્ટાફ, ડિલિવરી ડ્રાઇવરો અને સુપરમાર્કેટ સ્ટાફ જેવા કી-વર્કર્સને મળશે. લોકોને બજારના ભાવોની તુલનામાં ઓછામાં ઓછું 30 ટકા ડિસ્કાઉન્ટ આપી લોકોને પ્રોપર્ટી લેડર પર મૂકવાનું લક્ષ્ય છે. જો કે, સ્થાનિક અધિકારીઓ 40 ટકા અથવા 50 ટકા સુધીનું મોટુ ડિસ્કાઉન્ટ જરૂરિયાત મુજબ અપાવી શકે છે.
આ યોજના માટે પરિવારની મહત્તમ સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા £80,00ની અથવા ગ્રેટર લંડનમાં £90,000ની રહેશે અને સ્થાનિક કાઉન્સિલો કી-વર્કર્સ અથવા સ્થાનિક લોકોની પ્રાધાન્યતા આપશે. ઇંગ્લેન્ડમાં ડિસ્કાઉન્ટ બાદ મકાનનું મહત્તમ મુલ્ય £250,000 અથવા ગ્રેટર લંડનમાં £420,000નું જ રહેશે. જો કે, કાઉન્સિલ ઓછી કિંમતના કેપ્સ લાદવા માટે સક્ષમ હશે.
સરકાર ઓટમથી માર્કેટમાં વધુ 1500 ઘરો માટે ફંડીંગ પૂરું પાડશે અને આવતા વર્ષોમાં ઓછામાં ઓછા 10,000 ઘરો સુલભ કરવાની યોજના ધરાવે છે.
હાઉસિંગ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે, ‘’આ યોજના સ્થાનિક લોકોને ટેકો આપશે જેઓ તેમના વિસ્તારમાં ભાવો પોસાતા ન હોવાથી ઘર ખરીદવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ તેમનું કામ ત્યાં હોવાથી તેમને ત્યાં જ રહેવું છે.વર્ષોથી વધતા જતા ભાવો અને વર્તમાન સ્ટેમ્પ ડ્યુટી ટેક્સ રાહતથી હાઉસિંગ માર્કેટમાં તેજી જણાઇ રહી છે અને એક જ વર્ષમાં ડબલ-ડીજીટનો વધારો નોંધાયો છે.