ભારતમાં 2020-21ના નાણાકીય વર્ષમાં સરકારની પરોક્ષ (ઇનડાયરેક્ટ) વેરાની આવક ૧૨ ટકા વધીને રૂ.૧૦.૭૧ લાખ કરોડ થઈ હતી, જે ગયા વર્ષે રૂ.૯.૫૪ લાખ કરોડ હતી. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીએસટી કલેક્શનમાં ૮ ટકાનો ઘટાડો થયો હતો.
સરકારના નવા લક્ષ્યાંક કરતા ઇનડાયરેક્ટ કલેક્શન ૮.૨ ટકા વધારે રહ્યું હતું. નવો લક્ષ્યાંક રૂ. ૯.૮૯ લાખ કરોડ હતો. ઉલ્લેખનીય છે કે પરોક્ષ કરમાં જીએસટી, એક્સાઇઝ ડયુટી અને કસ્ટમનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ક્સ્ટમ ડયુટી કલેક્શન રૂ.૧.૩૨ લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા ૨૧ ટકા વધુ છે. ગયા વર્ષે કસ્ટમ ડયુટી કલેક્શન રૂ.૧.૦૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટી એન્ડ સર્વિસ ટેક્સ(એરિયર્સ) કલેક્શન રૂ. ૩.૯૧ લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષે ૨.૪૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
જો કે કેન્દ્ર સરકારનું જીએસટી (ઇન્ટેગ્રેટેડ જીએસટી, સેન્ટ્રલ જીએસટી, કોમ્પેનસેશન સેસ)ની આવક ૮ ટકા ઘટીને રૂ.૫.૪૮ લાખ કરોડ રહી હતી, જે ગયા વર્ષે રૂ.૫.૯૯ લાખ કરોડ હતી. જીએસટી કલેક્શન નવા લક્ષ્યાંક કરતા ૬ ટકા વધારે રહ્યું હતું. લોકડાઉનને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં જીએસટી કલેક્શનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. જો કે અંતિમ છ મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.